ભારતની ખાનગી સ્પેસ ક્રાંતિનો પ્રારંભ: ‘વિક્રમ-1’ રોકેટનું સફળ લોન્ચિંગ

શ્રીહરિકોટાથી ઇતિહાસ રચાયો; ઈસરો-સ્કાયરૂટની ભાગીદારીથી ભારતે ભરી નવી અવકાશી ઉડાન

શ્રીહરિકોટા: ભારતના અવકાશ ક્ષેત્ર માટે આજે ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ **’વિક્રમ-1’**નું શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ સાથે ભારતે ખાનગી અવકાશ ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત કરી છે.

સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવેલા રોકેટનું ‘મિશન આગમન’ અંતર્ગત સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પ્રક્ષેપણ બાદ રોકેટ નિર્ધારિત માર્ગે આગળ વધતાં વૈજ્ઞાનિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

ભારતના મહાન અવકાશ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈના સન્માનમાં રોકેટને ‘વિક્રમ-1’ નામ આપવામાં આવ્યું છે. આ મિશન હેઠળ રોકેટને પૃથ્વીથી અંદાજે 450 કિલોમીટર ઊંચી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવાની યોજના છે.

પ્રક્ષેપણ પ્રસંગે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકો તથા સ્કાયરૂટ એરોસ્પેસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સફળ લોન્ચિંગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવી તેને ભારતના સ્ટાર્ટઅપ અને અવકાશ ક્ષેત્ર માટે ઐતિહાસિક ઉપલબ્ધિ ગણાવી હતી.

પ્રથમ વખત ભારતીય ખાનગી કંપની અને ઈસરોના સહયોગથી ઓર્બિટલ રોકેટનું સફળ પ્રક્ષેપણ થતાં દેશના કોમર્શિયલ સ્પેસ સેક્ટરને નવી ઓળખ મળી છે. નિષ્ણાતોના મતે આ સિદ્ધિ ભારતને વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવશે અને ખાનગી અવકાશ ઉદ્યોગ માટે નવી તકોના દ્વાર ખોલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE