ગિરનાર યાત્રાળુઓ માટે હવે ફરજિયાત IN-OUT રજીસ્ટ્રેશન: સુરક્ષા માટે જિલ્લા તંત્રની નવી વ્યવસ્થા

ગિરનાર પર પ્રવેશ પહેલાં ઓનલાઈન નોંધણી જરૂરી; શ્રી નેમિ ધર્મયાત્રાને પગલે ભવનાથ વિસ્તારમાં કલમ 163 અમલમાં

જૂનાગઢ: ગિરનાર પર્વત પર યાત્રાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા વહીવટી તંત્રે હવે IN-OUT Registration System ફરજિયાત બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ નવી વ્યવસ્થા અંતર્ગત ગિરનાર પર જતાં અને પરત ફરતાં દરેક યાત્રાળુની નોંધણી કરવામાં આવશે, જેથી આપત્તિ કે ઇમરજન્સીની સ્થિતિમાં ઝડપી કાર્યવાહી શક્ય બને.

નવી વ્યવસ્થા મુજબ યાત્રાળુઓએ નવી સીડી, જૂની સીડી અથવા રોપવે મારફતે ગિરનારમાં પ્રવેશ કરતાં પહેલાં QR કોડ સ્કેન કરીને ‘IN એન્ટ્રી’ નોંધાવવી ફરજિયાત રહેશે. દર્શન પૂર્ણ થયા બાદ પરત ફરતી વખતે ‘OUT એન્ટ્રી’ પણ નોંધાવવી પડશે. સ્માર્ટફોન ન ધરાવતા યાત્રાળુઓ માટે સ્થળ પર જ ઓફલાઈન નોંધણીની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રે તમામ યાત્રાળુઓને પોતાની સાથે માન્ય ઓળખપત્ર રાખવાની અપીલ કરી છે. નોંધણી માટે Register.bhavnathtemple.com વેબસાઈટ કાર્યરત કરવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને જિલ્લા પોલીસના સંયુક્ત પ્રયાસોથી તૈયાર કરાયેલી આ વેબ આધારિત સિસ્ટમ જિલ્લા NIC ટીમ દ્વારા વિકસાવવામાં આવી છે. નવી વ્યવસ્થાથી યાત્રાળુઓની અવરજવરનું અસરકારક મોનિટરિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા વધુ સક્ષમ બનશે.

આ દરમિયાન દિલ્હીથી પ્રસ્થાન કરેલી શ્રી નેમિ ગિરનાર ધર્મયાત્રાને ધ્યાનમાં રાખીને 19થી 21 જુલાઈ, 2026 દરમિયાન ભવનાથ વિસ્તાર અને ગિરનારની પાંચમી ટૂંક સુધી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક ભાષણ, સૂત્રોચ્ચાર, ધર્મવિરુદ્ધ પ્રવૃત્તિ, લાઉડસ્પીકર અથવા વાજિંત્રોના ઉપયોગ તેમજ ઘાતક હથિયારો કે શંકાસ્પદ વસ્તુઓ સાથે પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. જિલ્લા તંત્રે તમામ યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓને નિયમોનું પાલન કરવા અપીલ કરી છે અને જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE