ગુજરાત ATSની તપાસમાં વડોદરા કનેક્શનનો ખુલાસો: શંકાસ્પદ આતંકીઓએ લીધી હતી હથિયાર અને બોમ્બ બનાવવાની તાલીમ

પૂછપરછમાં નવા ખુલાસા; AK-47 અને પિસ્તોલ ચલાવવાની ટ્રેનિંગ, ટાઈમર આધારિત બોમ્બ અંગે માહિતી અને વડોદરામાં અજાણ્યા કાશ્મીરી સાથે ગુપ્ત બેઠકની વિગતો સામે આવી

અમદાવાદ: ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા પાંચ શંકાસ્પદ આતંકીઓની પૂછપરછમાં તપાસને નવો વળાંક આપતા અનેક મહત્વપૂર્ણ ખુલાસા થયા છે. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓમાંથી કેટલાકે AK-47 રાઇફલ અને પિસ્તોલ ચલાવવાની તાલીમ લીધી હતી. ઉપરાંત તેઓએ ટાઈમર આધારિત વિસ્ફોટક તૈયાર કરવાની પદ્ધતિ તેમજ તેના ટેસ્ટ બ્લાસ્ટ અંગે પણ માહિતી મેળવી હોવાનું સામે આવ્યું છે.

તપાસ દરમિયાન સૌથી મહત્વનો ખુલાસો આરોપીઓના વડોદરા કનેક્શન અંગે થયો છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓએ વડોદરામાં એક અજાણ્યા કાશ્મીરી વ્યક્તિ સાથે ગુપ્ત બેઠક કરી હતી. આ બેઠકનો હેતુ, તેમાં થયેલી ચર્ચા અને સંભવિત ષડયંત્ર અંગે ATS દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

એટીએસ હાલ આરોપીઓના મોબાઇલ ફોન, સોશિયલ મીડિયા ચેટ, કોલ ડિટેઇલ રેકોર્ડ, ડિજિટલ ડિવાઇસ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાનું ફોરેન્સિક વિશ્લેષણ કરી રહી છે. વડોદરામાં થયેલી બેઠકનો આતંકી સંગઠન અથવા અન્ય શંકાસ્પદ નેટવર્ક સાથે કોઈ સંબંધ છે કે નહીં તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.

તપાસ એજન્સીઓ આરોપીઓના સંપર્કમાં રહેલા અન્ય લોકો, ફંડિંગ, તાલીમ અને સમગ્ર આતંકી મોડ્યુલની કડીઓ સુધી પહોંચવા માટે કાર્યવાહી તેજ કરી રહી છે. કેસમાં આગામી દિવસોમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE