ભાણવડમાં નશાના ગેરકાયદે કારોબાર પર એસઓજીનો મોટો પ્રહાર: ગાંજો અને વિદેશી દારૂ સાથે યુવક ઝડપાયો

3 કિલોથી વધુ ગાંજો, 91 દારૂની બોટલ અને ગોગો પેપર જપ્ત; બે સપ્લાયરોની શોધમાં પોલીસ

ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ ભાણવડમાં નશાના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરતાં એક યુવકને ગાંજો, વિદેશી દારૂ અને ગોગો પેપર સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના કબજામાંથી કુલ રૂ.1.88 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.

જિલ્લા એસઓજીના પીઆઈ વી.એ. રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એન. સિંગરખીયા અને ડી.એ. વાળાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડના હુસેની ચોક વિસ્તારમાં રહેતા **રિઝવાન ઈસુબભાઈ અયુબભાઈ બ્લોચ (20)**ના મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન પોલીસે 3.056 કિલોગ્રામ ગાંજો (કિંમત રૂ.1,52,800), 91 વિદેશી દારૂની બોટલો (કિંમત રૂ.34,857) અને 22 ગોગો પેપર (કિંમત રૂ.330) મળી કુલ રૂ.1,87,987નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગાંજો વિસનગરના તાજમહંમદ જાનમહંમદ ફકીર પાસેથી વેચાણ માટે મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે વિદેશી દારૂ પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ખાતે રહેતા ચના રબારી પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી.

આ આધારે ભાણવડ પોલીસે આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધી બંને સપ્લાયરોને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. પોલીસ હવે સમગ્ર નશા સપ્લાય નેટવર્ક અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE