સ્ટોક રજીસ્ટરમાં અનિયમિતતા, ડીપ ફ્રીઝર લોગબુક અપડેટ નહીં, હોસ્પિટલ પરિસરમાં ગંદકી; જવાબદારો સામે કાર્યવાહી શરૂ
ચોટીલા: ચોટીલા તાલુકાના આણંદપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા કરવામાં આવેલા અચાનક સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન આરોગ્ય સેવાઓમાં ગંભીર બેદરકારી સામે આવી છે. નિરીક્ષણ દરમિયાન ફરજ પર ફાર્માસિસ્ટ ગેરહાજર હોવા ઉપરાંત સાપ કરડવાના દર્દીઓ માટે જરૂરી એન્ટી સ્નેક વેનોમ (ASV) દવાનો જથ્થો ઉપલબ્ધ ન હોવાનું પણ સામે આવ્યું હતું.
નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે જુનિયર ફાર્માસિસ્ટ એમ.બી. ઝાલા પૂર્વ મંજૂરી વિના ફરજ પરથી ગેરહાજર હતા. દવાઓના સ્ટોકના સંચાલન અને જરૂરી રેકોર્ડ જાળવવામાં પણ અનેક ખામીઓ જોવા મળી હતી.
ચેકિંગ દરમિયાન સ્થાનિક ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે હોસ્પિટલમાં ડૉક્ટરો નિયમિત સમયસર હાજર રહેતા નથી, જેના કારણે દર્દીઓને સારવાર માટે વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ચોમાસાની ઋતુમાં સૌથી ચિંતાજનક બાબત તરીકે સાપ કરડવાના દર્દીઓ માટે જરૂરી ASV ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોવું સામે આવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રમાં આ પ્રકારની જીવનરક્ષક દવાનો અભાવ ગંભીર બેદરકારી માનવામાં આવી રહ્યો છે.
નાયબ કલેક્ટરે ડ્રગ સ્ટોરની તપાસ દરમિયાન સ્ટોક રજીસ્ટર અને અન્ય નોંધપોથી નિયમિત રીતે જાળવવામાં આવતી ન હોવાનું નોંધ્યું હતું. દવાઓ અને રસીના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતી ડીપ ફ્રીઝરની ટેમ્પરેચર લોગબુક પણ 10 જુલાઈ, 2026 બાદ અપડેટ કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત દર્દીઓના કેસ પેપર અને આશા વર્કરોને અપાતી દવાઓના રજીસ્ટરમાં પણ અનિયમિતતા જોવા મળી હતી.
હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ ગંદકી જોવા મળતાં આરોગ્ય કેન્દ્રની કામગીરી અંગે પ્રશ્નો ઊભા થયા છે.
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે સરકારી આરોગ્ય સેવાઓમાં બેદરકારી કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. ફરજમાં ઉદાસીનતા દાખવનાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરપ્રાઇઝ ચેકિંગ બાદ તાલુકા હેલ્થ ઓફિસર, સંબંધિત ફાર્માસિસ્ટ સહિત જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વિભાગીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ: વિક્રમસિંહ જાડેજા, ચોટીલા











