ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે ભાજપનો બિગ પ્લાન: અમિત શાહે સંગઠનને આપ્યો જીતનો મંત્ર

કમલમ ખાતે બે કલાકની મેરેથોન બેઠક; નબળી બેઠકો પર ખાસ ફોકસ, ધારાસભ્યોનું પરફોર્મન્સ રિપોર્ટ કાર્ડ પણ તૈયાર થશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ ચૂંટણી અભિયાનની વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની મુલાકાત દરમિયાન ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાજ્યના ટોચના નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી આગામી ચૂંટણી માટે સરકાર અને સંગઠનને સ્પષ્ટ દિશા-નિર્દેશ આપ્યા હતા.

લગભગ બે કલાક ચાલેલી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ પક્ષના ચારેય મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંગઠનની કામગીરી, સરકારના વિકાસકાર્યો અને આગામી ચૂંટણીની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અમિત શાહે સરકારની યોજનાઓ અને વિકાસકાર્યોનો લાભ છેવાડાના નાગરિક સુધી અસરકારક રીતે પહોંચે તે માટે સંગઠનને વધુ સક્રિય બનવા સૂચના આપી હતી. સાથે જ તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2022ની વિધાનસભા ચૂંટણીના મતવિસ્તારવાર પરિણામોનું વિશ્લેષણ કરીને જ્યાં પક્ષનું પ્રદર્શન પ્રમાણમાં નબળું રહ્યું છે ત્યાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા ભાર મૂક્યો હતો.

બેઠક દરમિયાન રાજ્યમાં ચોમાસાની અનિશ્ચિત પરિસ્થિતિ અને તેનાથી ઊભા થઈ શકે એવા પડકારોને પણ ગંભીરતાથી ચર્ચવામાં આવ્યા હતા. સરકાર અને સંગઠન બંનેએ આવી પરિસ્થિતિમાં લોકો સુધી ઝડપી પહોંચીને અસરકારક કામગીરી કરવી જરૂરી હોવાનું જણાવાયું હતું.

પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રદેશ પ્રમુખ દ્વારા દરરોજ એક વિધાનસભા બેઠકની મુલાકાત લેવાની યોજના બનાવવામાં આવી છે. ઉપરાંત ઝોન મુજબના મહામંત્રીઓને પોતાના વિસ્તારમાં નબળી બેઠકો પર સતત દેખરેખ રાખી સરકાર અને સંગઠન વચ્ચે વધુ અસરકારક સંકલન ઉભું કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપે તમામ વિધાનસભા બેઠકોને અલગ-અલગ શ્રેણીમાં વહેંચીને તેની આધારે ચૂંટણીની વ્યૂહરચના તૈયાર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. દરેક બેઠકનો નિયમિત પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તેના આધારે સંગઠનાત્મક નિર્ણયો લેવામાં આવશે.

આ સાથે જ રાજ્યના તમામ 162 ભાજપના ધારાસભ્યોનું ચાર વર્ષનું કામગીરી મૂલ્યાંકન (રિપોર્ટ કાર્ડ) તૈયાર કરવામાં આવશે. ઝોન મહામંત્રીઓ અને સંબંધિત સાંસદોના સંકલનથી તૈયાર થનારો આ અહેવાલ માર્ચ 2027 સુધી પૂર્ણ કરવામાં આવશે, જે આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં મહત્વપૂર્ણ આધાર બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE