દેવભૂમિ દ્વારકામાં બુટલેગરો સામે પોલીસનો કડક પ્રહાર: બે શખ્સો PASA હેઠળ જેલભેગા

દારૂના અનેક ગુનાઓમાં સંડોવણી બાદ જિલ્લા કલેક્ટરનો આદેશ; પાલારા અને રાજપીપળા જેલમાં કરાયા મોકલ

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂના ગેરકાયદેસર ધંધા સામે પોલીસનું અભિયાન વધુ આક્રમક બન્યું છે. દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે કુખ્યાત બુટલેગરો સામે PASA (ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ કાર્યવાહી કરીને તેમને અટકાયતી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, દ્વારકા તાલુકાના નાગેશ્વર ગામના રણમલભા સામરાભા ઉર્ફે સામળાભા સુમણીયા અને ટોબર ગામના રાયદેભા ટપુભા કેર સામે સ્થાનિક પોલીસ મથકમાં દારૂ સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા હતા. બંનેની ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી તેમની સામે PASAની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમે બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ એકત્ર કરીને PASA હેઠળની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી.

જિલ્લા કલેક્ટર રાજેશ એમ. તન્નાએ રજૂ થયેલા પુરાવા અને કેસની વિગતોનું પરીક્ષણ કર્યા બાદ બંને આરોપીઓ સામે PASA હેઠળ અટકાયતી વોરંટ મંજૂર કર્યો હતો.

ત્યારબાદ એલસીબીની ટીમે બંને આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી હતી. કાર્યવાહી અંતર્ગત રણમલભા સામરાભા ઉર્ફે સામળાભા સુમણીયાને ભુજની પાલારા વિશેષ જેલમાં, જ્યારે રાયદેભા ટપુભા કેરને રાજપીપળા સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

પોલીસનું કહેવું છે કે જિલ્લામાં બુટલેગરો, જુગારીઓ અને અન્ય અસામાજિક તત્વો સામે આગળ પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે, જેથી કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE