કચ્છ: કચ્છી નવા વર્ષની શરૂઆત વરસાદની મહેર સાથે થતાં પૂર્વ કચ્છમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આજે વહેલી સવારથી જ રાપર, ગાંધીધામ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાતા ચોમાસું ફરી સક્રિય બનવાના સંકેતો મળ્યા છે.
રાપર તાલુકાના બાલાસર, રામવાવ અને આસપાસના ગામોમાં મેઘરાજાએ હળવી પરંતુ લાભદાયી વરસાત કરી હતી. વરસાદ પડતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી તથા ભેજથી લોકોને રાહત મળી હતી.
કચ્છી નવા વર્ષના પાવન દિવસે વરસેલા વરસાદને સ્થાનિક લોકોએ શુભ સંકેત તરીકે વધાવ્યો હતો. અનેક સ્થળોએ લોકોએ નવા વર્ષની શરૂઆત પ્રકૃતિના આ આશીર્વાદ સાથે થવાને શુભ માનતાં આનંદ વ્યક્ત કર્યો હતો.
ખેતી પર આધારિત વિસ્તારોમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ નવી આશા જાગી છે. સમયસર મળેલા વરસાદથી જમીનમાં ભેજ વધશે અને આગામી પાક માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે તેવી ખેડૂતોની અપેક્ષા છે. કૃષિ નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહે તો ખેતીને નોંધપાત્ર ફાયદો થઈ શકે છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ પૂર્વ કચ્છમાં આગામી દિવસોમાં પણ વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે. જો વરસાદનો આ જ ક્રમ યથાવત રહેશે તો કૃષિ ઉપરાંત પાણીના સ્ત્રોતોમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.











