ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ-સીતાપુર ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાંથી ગુમ થયેલા શૈલેષભાઈ મીઠાપરાનો મૃતદેહ કલાકોની શોધખોળ બાદ મળી આવ્યો છે. ઘટનાને પગલે પરિવાર તેમજ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, શૈલેષભાઈ મીઠાપરા 12 જુલાઈના રોજ સવારે અંદાજે 10 વાગ્યાના સમયે નર્મદા કેનાલમાં પડ્યા હોવાની જાણ થતાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર બ્રિગેડ, સુરેન્દ્રનગર ફાયર વિભાગ, સ્થાનિક તરવૈયાઓ તેમજ ગ્રામજનોએ સંયુક્ત રીતે સઘન શોધખોળ હાથ ધરી હતી.
સતત કલાકોની શોધખોળ બાદ 13 જુલાઈના રોજ સવારે અંદાજે 11 વાગ્યે ફાયર ટીમને કેનાલમાંથી શૈલેષભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં આક્રંદ મચી ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દ્વારા મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.
રિપોર્ટ: સોહિલ શેખ, ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર)











