17 જુલાઈએ ભક્તિનગર રેલવે સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ: વડાપ્રધાન મોદી કરશે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન, રૂ. 26.80 કરોડના વિકાસકાર્યો પૂર્ણ

રાજકોટ: અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિક સુવિધાઓથી સજ્જ બનેલા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું આગામી 17 જુલાઈ, શુક્રવારે બપોરે 2 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સ મારફતે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. સ્ટેશનના પુનર્વિકાસથી મુસાફરોને હવે વિશ્વસ્તરીય સુવિધાઓનો લાભ મળશે.

રાજકોટ રેલવે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે દરરોજ અંદાજે 6,900 મુસાફરોની અવરજવર ધરાવતા ભક્તિનગર સ્ટેશનનો રૂ. 26.80 કરોડના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવ્યો છે. તેમાં સ્ટેશન ભવનના વિકાસ માટે રૂ. 21.81 કરોડ અને ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે રૂ. 4.99 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

પુનર્વિકાસ અંતર્ગત પ્લેટફોર્મ નંબર-1 પર કોટા સ્ટોન ફ્લોરિંગ, પ્લેટફોર્મ નંબર-2 અને 3 પર નવા કવર શેડ, આધુનિક ACP ક્લેડિંગ સાથે સ્ટેશન ભવનનું નવનિર્માણ તેમજ મુસાફરો માટે અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર તૈયાર કરવામાં આવ્યા છે. આશરે 8,600 ચોરસ ફૂટ વિસ્તારમાં સ્ટેશન બિલ્ડિંગનું અપગ્રેડેશન અને 2,760 ચોરસ ફૂટના વિશાળ કોનકોર્સ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એરકન્ડિશન્ડ પ્રતીક્ષાલય, આધુનિક VIP રૂમ, સ્વચ્છ અને આધુનિક શૌચાલય, નવી સાઇનેજ સિસ્ટમ, શ્રેષ્ઠ લાઇટિંગ, વેન્ટિલેશન અને અન્ય અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્ટેશન પરિસરને હરિયાળું અને આકર્ષક બનાવવા માટે આશરે 25,685 ચોરસ ફૂટ વિસ્તારમાં ગાર્ડન અને સર્ક્યુલેટિંગ એરિયા વિકસાવવામાં આવ્યો છે.

દિવ્યાંગજનોને અનુકૂળ રેમ્પ, ટેક્ટાઇલ ટાઇલ્સ, મોડ્યુલર ટોયલેટ, એક લાખ લીટર ક્ષમતાનો ભૂગર્ભ જળસંપ અને ઓવરહેડ RCC ટાંકી સહિતની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. મુસાફરોની અવરજવર સરળ બનાવવા માટે 12 મીટર પહોળો મુખ્ય ફૂટ ઓવર બ્રિજ, વેરાવળ તરફ 3.66 મીટર પહોળો વધારાનો ફૂટ ઓવર બ્રિજ તેમજ 20 મુસાફરોની ક્ષમતા ધરાવતી ચાર આધુનિક લિફ્ટ પણ કાર્યરત કરવામાં આવી છે.

રેલવે તંત્રના જણાવ્યા અનુસાર ભક્તિનગર રેલવે સ્ટેશનના આધુનિકીકરણથી મુસાફરોને વધુ આરામદાયક, સુરક્ષિત અને સુવિધાસભર પ્રવાસનો અનુભવ મળશે તેમજ રાજકોટ શહેરના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નવી ઓળખ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE