નવી દિલ્હી: નેશનલ હાઇવે પર મુસાફરી કરતા કરોડો વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના આંતરિક ઓડિટમાં દેશભરના 80થી વધુ ટોલ પ્લાઝા સામે ગંભીર અનિયમિતતાઓ પ્રકાશમાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, કેટલાક ટોલ પ્લાઝા પર પ્રોજેક્ટની મૂડીગત કિંમત વર્ષો પહેલાં વસૂલાઈ ગઈ હોવા છતાં આજે પણ ટોલ વસૂલાત ચાલુ છે, જ્યારે કેટલાક સ્થળોએ 60 કિલોમીટરના અંતરના નિયમનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આવા નિયમવિરોધી ટોલ પ્લાઝા સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે અને 1 ઓક્ટોબરથી તબક્કાવાર આવા ટોલ પ્લાઝા બંધ કરવાની યોજના પર વિચારણા ચાલી રહી છે.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, અનેક ટોલ ઓપરેટરો પ્રોજેક્ટની મૂળ કિંમત વસૂલાઈ ગયા બાદ પણ ટોલ વસૂલાત ચાલુ રાખવા માટે નવા વિકાસ કાર્યોના નામે ફ્લાયઓવર, અંડરપાસ અથવા સર્વિસ રોડના પ્રસ્તાવો રજૂ કરે છે. ત્યારબાદ નવા કામનો ખર્ચ જૂના પ્રોજેક્ટ સાથે જોડીને કુલ રોકાણ હજુ પૂર્ણ થયું નથી તેવો દાવો કરવામાં આવે છે.
આ પ્રક્રિયાના કારણે વર્ષો સુધી વાહનચાલકો પાસેથી 100 ટકા ટોલ વસૂલાત ચાલુ રહેતી હોવાનો ખુલાસો આંતરિક ઓડિટમાં થયો છે. તપાસ દરમિયાન આ પ્રકારની ગેરરીતિઓને ગંભીર માનવામાં આવી છે.
ઓડિટમાં વધુ એક મહત્વનો ખુલાસો એ થયો છે કે અનેક સ્થળોએ 60 કિલોમીટરના અંતરના નિયમને અવગણીને સબ-ટોલ પ્લાઝા ચલાવવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ આવા કેટલાક ટોલ પ્લાઝા જરૂરી કાનૂની મંજૂરી વિના કાર્યરત હોવાનું પણ સામે આવ્યું છે.
આંતરિક ઓડિટ રિપોર્ટ બાદ સમગ્ર મામલે મંત્રાલય સ્તરે સમીક્ષા શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જો સરકાર આ દિશામાં અંતિમ નિર્ણય લેશે તો દેશભરના લાખો વાહનચાલકોને ટોલના ભારમાંથી મોટી રાહત મળી શકે છે.











