ભુજ: કચ્છના ભુજ શહેરમાં RTO સર્કલ નજીક આજે બપોરે એક બેકાબૂ ટ્રેલરે પાંચથી વધુ વાહનોને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
અકસ્માતમાં એક કાર, ત્રણ એક્ટિવા અને એક બાઇક સહિત અનેક વાહનોને ભારે નુકસાન થયું છે. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં ચારથી પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતને કારણે RTO સર્કલ વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. પોલીસે ટ્રાફિકને અન્ય માર્ગે ડાયવર્ટ કરીને સ્થિતિને સામાન્ય બનાવી હતી.
પોલીસે ટ્રેલર ચાલકને ઝડપી લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.











