પાલનપુર: વિશ્વવિખ્યાત અંબાજી શક્તિપીઠમાં દાનભંડારમાંથી રોકડની ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મંદિરના દાનની ગણતરી દરમિયાન જ એક હંગામી કર્મચારીએ ₹1.04 લાખની રોકડની ઉચાપત કરી હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતાં મામલો બહાર આવ્યો હતો. વીડિયો વાયરલ થતાં રાજ્યભરના ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
માહિતી અનુસાર, 5 મેના રોજ દાનભંડારની નિયમિત ગણતરી ચાલી રહી હતી ત્યારે હંગામી કર્મચારી ચિરાગ ઠાકોરએ ₹500ની નોટોનું એક બંડલ ચાલાકીપૂર્વક પોતાની પાસે સંતાડી લીધું હતું. ત્યારબાદ તે બાથરૂમ જવાના બહાને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
જોકે, બહાર નીકળતી વખતે તેના ખિસ્સામાંથી નોટોનું બંડલ નીચે પડી જતાં અન્ય કર્મચારીઓ અને અધિકારીઓને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. તાત્કાલિક તપાસ કરતાં તેની પાસેથી ₹500ની 208 નોટો, કુલ ₹1,04,000ની રોકડ મળી આવી હતી.
ઘટના બાદ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અધિક કલેક્ટરની ફરિયાદના આધારે અંબાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અને મુખ્ય આરોપી ચિરાગ ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન ચિરાગે ગુનામાં અન્ય બે સાથીદારોની સંડોવણી હોવાની કબૂલાત આપતાં વિવેક શર્મા અને નિકુંજ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. અદાલતે બંને સહ-આરોપીઓના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે હવે સમગ્ર કાવતરું, ચોરી પાછળના હેતુ અને અન્ય સંભવિત સંડોવણીની તપાસ વધુ તેજ કરી છે.
વિશ્વપ્રસિદ્ધ અંબાજી મંદિર જેવા આસ્થાના કેન્દ્રમાં દાનભંડારમાંથી ચોરીની ઘટના સામે આવતાં ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને દાનની ગણતરીની પ્રક્રિયા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.











