અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં વધુ બે બાળકોનાં મોત થતાં રાજ્યમાં આ વાયરસથી મૃત્યુઆંક વધીને 13 થયો છે. સતત વધી રહેલા કેસોને કારણે આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયો છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન દેખરેખ શરૂ કરવામાં આવી છે.
ચોમાસાની શરૂઆત સાથે ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા કેસો નોંધાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી મૃત્યુ પામેલા 13 બાળકોમાંથી ત્રણમાં ચાંદીપુરા વાયરસની લેબોરેટરી દ્વારા પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય 10 બાળકોના સેમ્પલનો રિપોર્ટ આવે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. તમામ બાળકોમાં તાવ, આંચકી અને ઉલટી જેવા ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા.
જિલ્લાવાર વિગતો મુજબ સાબરકાંઠામાં સાત અને પંચમહાલમાં છ બાળકોનાં મોત નોંધાયા છે. હિંમતનગરમાં છ અને પંચમહાલમાં ચાર બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ પરિણામ જાહેર થાય તે પહેલાં જ તેઓએ જીવ ગુમાવ્યો હતો.
હાલ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સાત શંકાસ્પદ બાળકો સારવાર હેઠળ છે, જેમાં ગાંધીનગર જિલ્લાના બે બાળકોનો સમાવેશ થાય છે. સંક્રમણને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, ઘર-ઘર આરોગ્ય તપાસ, જીવાત નિયંત્રણ અને જનજાગૃતિ અભિયાન વધુ તેજ બનાવ્યું છે.
તાજેતરમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મણીપુર ગામના એક બાળકને અચાનક તાવ અને આંચકી આવતાં પ્રથમ ગોધરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું હતું.
આરોગ્ય વિભાગે વાલીઓને અપીલ કરી છે કે બાળકોમાં તાવ, આંચકી, ઉલટી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચવું જોઈએ. સાથે જ આસપાસ સ્વચ્છતા જાળવી જીવાતોના પ્રજનનને રોકવા ખાસ તકેદારી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.











