નાના મવા રોડ ફાયરિંગ કેસમાં તપાસને વેગ: રાજવીર વાળાના 3 દિવસના રિમાન્ડ, હથિયાર સપ્લાય નેટવર્ક સુધી પહોંચી પોલીસ

રાજકોટ: નાના મવા રોડ ફાયરિંગ અને કૃષ્ણસિંહ જાડેજાની હત્યા કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો વ્યાપ વધાર્યો છે. કેસમાં ઝડપાયેલા આરોપી રાજવીર વાળાના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય આરોપી રણજીત વાળાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે અમરેલી જિલ્લાના મોટા દેવળીયા ગામમાંથી વધુ એક ગેરકાયદેસર હથિયાર કબજે કર્યું છે. આ સાથે પોલીસે અત્યાર સુધી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા કુલ બે હથિયાર અને આઠ જીવતા કાર્ટિસ જપ્ત કરીને મહત્વના પુરાવા એકત્ર કર્યા છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજવીર વાળાની રિમાન્ડ દરમિયાન ફાયરિંગના સમગ્ર કાવતરું, અન્ય સંડોવાયેલા આરોપીઓ તેમજ હથિયારોની અવરજવર અંગે મહત્વની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

કૃષ્ણસિંહ જાડેજાની હત્યા કેસમાં હવે તપાસ માત્ર આરોપીઓ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ગેરકાયદેસર હથિયાર સપ્લાય ચેન સુધી પહોંચાડવામાં આવી છે. હથિયારો કોના મારફતે મેળવવામાં આવ્યા, ક્યાંથી સપ્લાય થયા અને આ નેટવર્કમાં અન્ય કોની સંડોવણી છે તે અંગે ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE