ગિરનારમાં સિંહના હુમલામાં 11 વર્ષના બાળકનું મોત, સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ

જૂનાગઢ: વિશ્વવિખ્યાત ગિરનાર યાત્રાધામ ખાતે વહેલી સવારે દુઃખદ ઘટના બની હતી. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી પરિવાર સાથે દર્શનાર્થે આવેલા 11 વર્ષીય બાળક પર સિંહે હુમલો કરતાં તેનું મોત નિપજ્યું હતું. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે, જ્યારે વન વિભાગ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પરિવારના જણાવ્યા અનુસાર તેઓ વહેલી સવારે ગિરનારની ચઢાણ શરૂ કરી હતી. ગેટથી અંદર થોડા જ પગથિયાં આગળ વધ્યા હતા ત્યારે અચાનક સિંહે બાળક પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.

બાળકના કાકા અનિલકુમારસિંહ ચૌહાણે જણાવ્યું કે ગિરનારની સીડીઓ પર પૂરતી પ્રકાશ વ્યવસ્થા ન હોવાથી વહેલી સવારે યાત્રાળુઓ માટે જોખમ વધી જાય છે. તેમણે સમગ્ર માર્ગ પર હાઇમાસ્ટ લાઇટ, સંવેદનશીલ સ્થળોએ વનકર્મીઓની સતત તહેનાતી અને નિયમિત પેટ્રોલિંગની માંગ કરી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ગિરનારની સીડીઓની આસપાસ સિંહોની અવરજવર જોવા મળી રહી હતી. તેમ છતાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી ન હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

ઘટનાને પગલે પોલીસે મુખ્ય માર્ગ પર યાત્રાળુઓની અવરજવર પર તાત્કાલિક નિયંત્રણ મૂક્યું છે અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ વન વિભાગે સિંહની હિલચાલ પર નજર રાખવા માટે વિશેષ ટીમો તહેનાત કરી છે તેમજ જરૂરી સુરક્ષા પગલાં અમલમાં મૂક્યા છે.

આ દુર્ઘટના બાદ ગિરનાર યાત્રાધામની સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાની માંગ ઉઠી છે. સ્થાનિકો અને યાત્રાળુઓએ લાઇટિંગ, સતત પેટ્રોલિંગ અને વન્યજીવોની હિલચાલ પર સઘન દેખરેખ રાખવા તંત્રને અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓનું પુનરાવર્તન ટાળી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE