કચ્છમાં PSI સામે લાંચકાંડ: ₹40 હજારની લાંચ સ્વીકારવાનો ગુનો નોંધાયો, ACB ટ્રેપ દરમિયાન આરોપી ફરાર

ફેક્ટરી બંધ ન કરવી અને પોલીસની હેરાનગતિથી બચાવવા ₹50 હજારની માંગણીનો આક્ષેપ; ભુજમાં રૂપિયા લેવા બોલાવ્યા બાદ ACBની કાર્યવાહી

ભુજ: કચ્છ જિલ્લાના વાયોર પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) સામે લાંચ માંગવાના ગંભીર આક્ષેપો વચ્ચે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ, એક ફેક્ટરી સંચાલક પાસેથી ફેક્ટરીનું કામકાજ ચાલુ રાખવા અને કોઈ પોલીસ કાર્યવાહી કે હેરાનગતિ ન થાય તે માટે ₹50 હજારની લાંચ માંગવામાં આવી હતી.

ફરિયાદ મળ્યા બાદ ACBએ સમગ્ર મામલે ટ્રેપ ગોઠવ્યો હતો. ફરિયાદીને ભુજના ગાયત્રી મંદિર નજીક આવેલા જાહેર રોડ પર રૂપિયા લઈને આવવા સૂચના આપવામાં આવી હતી. જોકે, રૂપિયા સ્વીકારવાની પ્રક્રિયા દરમિયાન આરોપી PSIને ACBની કાર્યવાહીનો સંકેત મળી જતાં તે રૂપિયા લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ACBની તપાસમાં આરોપી દ્વારા ₹40 હજારની લાંચ સ્વીકારવાના આધારે તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર પોલીસ અધિકારીને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

ACBના અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાના પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે અને કેસમાં સંડોવાયેલા અન્ય પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેને ઝડપવા માટે જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE