લોનાવાલામાં 670 મીમી વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત; સરકારે ‘વર્ક ફ્રોમ હોમ’ અપનાવવાની આપી સલાહ
મુંબઈ: મહારાષ્ટ્રમાં મેઘરાજાનો પ્રચંડ પ્રકોપ યથાવત રહેતા ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈ, પુણે, રાયગઢ અને પાલઘર સહિતના જિલ્લાઓ માટે આગામી 48 કલાકનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમના પ્રભાવથી રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક બિક્રમ સિંહના જણાવ્યા અનુસાર, મુંબઈના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ નોંધાયો છે, જ્યારે ઘાટ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડ્યો છે. પુણે, રાયગઢ અને પાલઘર જિલ્લામાં પણ વરસાદે જનજીવનને અસરગ્રસ્ત બનાવ્યું છે.
લોનાવાલામાં છેલ્લા 24 કલાક દરમિયાન આશરે 670 મીમી વરસાદ નોંધાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદને કારણે માર્ગ અને રેલવે વ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે. નાસિક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કોકણ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે માત્ર એક જ દિવસમાં મુંબઈમાં 350થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે, જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યભરમાં 800થી વધુ વૃક્ષો પડી જવાની ઘટનાઓ નોંધાઈ છે. તમામ જિલ્લા પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
હવામાન વિભાગે તેજ પવન સાથે અતિભારે વરસાદની ચેતવણી આપતાં સરકારે ખાનગી સંસ્થાઓને શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ અમલમાં મૂકવાની સલાહ આપી છે. બિનઆવશ્યક સરકારી કચેરીઓમાં પણ મર્યાદિત કામગીરી રાખવા સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકારે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-નાળા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવા તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.










