ભારે વરસાદથી પહાડ ધસી પડ્યો, 540 મેગાવોટના પાવર પ્લાન્ટ વિસ્તાર પ્રભાવિત; રાહતની વાત એ કે કોઈ જાનહાનિ નહીં
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની મોટી ઘટના સામે આવી છે. જિલ્લાના 540 મેગાવોટ ક્ષમતાવાળા પાવર પ્લાન્ટ નજીક અચાનક પહાડનો મોટો ભાગ ધસી પડતાં સમગ્ર વિસ્તારમાં માટી અને કાટમાળના ઢગલા સર્જાયા હતા.
ભૂસ્ખલનની સીધી અસર પાવર પ્લાન્ટના પાર્કિંગ વિસ્તારમાં જોવા મળી હતી, જ્યાં પાર્ક કરાયેલા અનેક વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનામાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. જેસીબી સહિતના સાધનોની મદદથી કાટમાળ હટાવી વાહનોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતાં પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને જરૂરી ન હોય ત્યાં સુધી પ્રવાસ ટાળવા અપીલ કરી છે.










