વસઈ-વિરાર અને નાલાસોપારા પાણીમાં ગરકાવ, રેલવે ટ્રેક પર પાણી ભરાતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો
મુંબઈ: મહારાષ્ટ્રમાં મેઘરાજાએ વિનાશક બેટિંગ યથાવત રાખી છે. મુંબઈ, રાયગઢ, પાલઘર અને પુણે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. સૌથી વધુ વરસાદ લોનાવાલામાં નોંધાયો છે, જ્યાં માત્ર 24 કલાકમાં 670 મીમી એટલે કે આશરે 27 ઇંચ વરસાદ વરસ્યો હતો.
પાલઘર જિલ્લામાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અહીં માત્ર બે કલાકમાં જ અંદાજે 300 મીમી એટલે કે આશરે 12 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાંથી આવેલા વરસાદી પાણીના કારણે વસઈ-વિરારના અનેક રહેણાંક વિસ્તારો, મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ભારે વરસાદના કારણે જિલ્લાના મુખ્ય નાલાઓ અને કુદરતી જળમાર્ગો ઓવરફ્લો થઈ ગયા છે. પરિણામે વરસાદી પાણીનો નિકાલ ખોરવાઈ ગયો છે અને અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની છે.
ખાસ કરીને નાલાસોપારા શહેરમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. શહેરનો મોટો ભાગ પાણીમાં ડૂબી ગયો છે, જ્યારે નાલાસોપારા રેલવે સ્ટેશન અને ટ્રેક પર પાણી ભરાતાં પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેન સેવાને પણ અસર પહોંચી છે. અનેક ટ્રેનો મોડેથી દોડી રહી છે, જ્યારે કેટલીક સેવાઓમાં અવરોધ સર્જાયો હોવાનું રેલવે સૂત્રોએ જણાવ્યું છે.
હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વહીવટી તંત્ર દ્વારા નદી-નાળા નજીક ન જવા અને જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.










