માળિયામાં પોલીસનો મેગા સર્ચ ઓપરેશન: દેશી તમંચો, 23 કાર્ટીઝ સહિત હથિયારો જપ્ત, વોન્ટેડ આરોપીઓ ઝડપાયા

450 પોલીસકર્મીઓએ એકસાથે ચલાવેલી કાર્યવાહીમાં વીજચોરી, ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ અને ટ્રાફિક નિયમભંગ સામે પણ કડક એક્શન

મોરબી: મોરબી જિલ્લાના માળિયા વિસ્તારમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે વિશાળ કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લગભગ 450 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે વિવિધ વિસ્તારોમાં એકસાથે તપાસ હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સઘન કાર્યવાહી કરી હતી.

ઓપરેશન દરમિયાન પોલીસે એક દેશી બનાવટનો તમંચો, 23 જીવતા કાર્ટીઝ તેમજ અન્ય ઘાતક હથિયારો જપ્ત કર્યા હતા. આ ઉપરાંત પેરોલ જંપ કરનાર અને લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપીઓને પણ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસે ડુપ્લિકેટ સોનાના બિસ્કિટના કૌભાંડ અને વીજચોરી સંબંધિત ગુનાઓમાં પણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ માહિતી અને પુરાવા પણ હાથ લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રાફિક નિયમોના અમલ માટે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશમાં મોટર વાહન અધિનિયમ (MV Act) હેઠળ 36 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને નિયમભંગ બદલ દંડ વસૂલવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જિલ્લામાં ગુનાખોરી પર અંકુશ લાવવા, અસામાજિક તત્વો સામે કડક સંદેશ આપવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આગામી સમયમાં પણ આવા મેગા કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE