હિમાચલમાં મેઘતાંડવ યથાવત: ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી 14નાં મોત, રૂ.16 કરોડનું નુકસાન

શિમલા: હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ વિનાશક સ્વરૂપ ધારણ કરતાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે રાજ્યભરમાં જનજીવન પ્રભાવિત બન્યું છે, જ્યારે પ્રાથમિક અંદાજ મુજબ આશરે રૂ.16 કરોડનું નુકસાન નોંધાયું છે.

કિન્નોર જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યાથી શરૂ થયેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી. ચોલીંગ વિસ્તારમાં આવેલા પૂરથી મોટા પ્રમાણમાં કાટમાળ ધસી આવતાં શિમલા-રિકાંગપિઓ રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. આશરે 30 મીટર વિસ્તારમાં કાટમાળ જમા થતાં હાઈવે સવારે લગભગ 10 વાગ્યા સુધી બંધ રાખવો પડ્યો હતો.

રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી ભારે વરસાદને કારણે જાનહાનિ ઉપરાંત માર્ગો, વીજ પુરવઠા અને પાણીની સુવિધાને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અનેક જિલ્લાઓમાં રાહત અને બચાવ ટીમો કાટમાળ હટાવવા તેમજ વીજળી અને પાણી જેવી આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે સતત કામગીરી કરી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન જુબ્બડહટ્ટીમાં 44 મીમી, બલદ્ધાડામાં 32 મીમી અને સરાહનમાં 27 મીમી વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હોવાથી વહીવટી તંત્રએ લોકોને નદી-નાળા અને ભૂસ્ખલન સંભવિત વિસ્તારોમાં જવાનું ટાળવા તથા જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE