નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી કરનારા યાત્રીઓ માટે એર ઈન્ડિયાએ મોટી રાહત જાહેર કરી છે. કંપનીએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર લાગતા ફ્યુઅલ સરચાર્જમાં 39 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ)ના ભાવમાં ઘટાડા બાદ લેવામાં આવેલા આ નિર્ણયથી મુસાફરોના પ્રવાસ ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા છે.
એર ઈન્ડિયાએ 1 જુલાઈથી અમુક આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યુઅલ સરચાર્જ 280 ડોલરથી ઘટાડીને 125 ડોલર કર્યો છે. જોકે સિંગાપોર, મધ્ય પૂર્વ, આફ્રિકા, ચીન અને કેટલાક અન્ય રૂટ પર લાગુ 130 ડોલરનો ફ્યુઅલ સરચાર્જ યથાવત રાખવામાં આવ્યો છે.
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે 2,000 કિલોમીટર સુધીની ઘરેલુ ફ્લાઈટો પર 8 એપ્રિલથી લાગુ કરાયેલા ₹299થી ₹899 સુધીના ફ્યુઅલ સરચાર્જમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ સાથે એર ઈન્ડિયા એક્સપ્રેસે પશ્ચિમ એશિયાના કેટલાક રૂટ પર અસ્થાયી રીતે બંધ કરાયેલી ફ્લાઈટો ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. કોઝીકોડ–સલાલાહ સેવા 2 જુલાઈથી શરૂ થઈ ગઈ છે, જ્યારે કોઝીકોડ–કુવૈત ફ્લાઈટ 3 જુલાઈથી અને બેંગલુરુ–કુવૈત સેવા 4 જુલાઈથી ફરી શરૂ કરવામાં આવશે.
એરલાઈન ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયા ઉપરાંત ઈન્ડિગો પણ આગામી દિવસોમાં કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો ફરી શરૂ કરવાની યોજના પર કામ કરી રહી છે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો અને સેવાઓના પુનઃ પ્રારંભથી આંતરરાષ્ટ્રીય મુસાફરોને નોંધપાત્ર રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.










