મુંબઈ: મહારાષ્ટ્રમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં મુંબઈ, થાણે, પુણે સહિતના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાયો છે. મુંબઈ અને ઉપનગરોમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જનજીવન પર તેની અસર જોવા મળી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ રાજ્યના અનેક જિલ્લાઓ માટે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાયગઢ જિલ્લામાં આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
IMDના ડિરેક્ટર બિક્રમ સિંહે જણાવ્યું કે 2 જુલાઈથી વરસાદની તીવ્રતામાં વધારો નોંધાયો છે અને 6 જુલાઈ સુધી સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને 6 જુલાઈની રાત્રે ભારે વરસાદની સંભાવના વધુ હોવાથી નાગરિકોને સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, અગાઉ પાણી ભરાયેલા કેટલાક વિસ્તારોમાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આગામી દિવસોમાં સતત વરસાદને કારણે ફરી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. સ્થાનિક પ્રશાસને બચાવ અને રાહત કામગીરી માટે તમામ વિભાગોને એલર્ટ પર રાખ્યા છે.
હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા તેમજ હવામાનની સત્તાવાર માહિતી પર સતત નજર રાખવાની સલાહ આપી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું પણ જણાવાયું છે.










