રાજકોટ મહાનગરપાલિકાના ખર્ચ અને વહીવટ અંગે કોંગ્રેસના સવાલો, ખુલ્લા પત્રથી માંગ્યો જાહેર જવાબ

રાજકોટ: રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડૉ. હેમંગ વસાવડાએ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને ખુલ્લો પત્ર પાઠવી મનપાના ખર્ચ અને વહીવટને લઈને અનેક મુદ્દાઓ પર જાહેર સ્પષ્ટતા કરવાની માંગ કરી છે.

કોંગ્રેસના ખુલ્લા પત્રમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક સમયથી મનપાના વિવિધ ખર્ચ અંગે શહેરમાં ચર્ચા ચાલી રહી છે. પારદર્શિતા જળવાય તે માટે જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશનનો ખર્ચ, કોરોના સમયગાળામાં આપવામાં આવેલી વળતર સહાયનો કુલ ખર્ચ, વર્ષોથી પેન્ડિંગ રહેલા બિલો, મંજૂરી વિના કરાયેલા ખર્ચ તેમજ વેન્ડરોને કરવામાં આવેલી ચુકવણી અંગે વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

પત્રમાં કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે કેટલાક અધિકારીઓ દ્વારા કથિત રીતે “એડજસ્ટ” રકમ ઉઘરાવી બાદમાં “સેટ-ઓફ” કરવાની પદ્ધતિ અપનાવવામાં આવે છે, જે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી શકે છે. આ બાબતે પણ તપાસ કરીને સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત ધારાસભા વિસ્તારોમાં યોજાયેલા સરકારી કાર્યક્રમો, જાહેરાતો તેમજ મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન થયેલા ખર્ચ અંગે પણ માહિતી જાહેર કરવા કોંગ્રેસે માંગણી કરી છે.

કોંગ્રેસે જણાવ્યું છે કે જો ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જાહેર જવાબ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ વિગતો સાથે અન્ય ખુલ્લા પત્રો પણ જાહેર કરવામાં આવશે.

નોંધ: આ સમાચાર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પાઠવાયેલા ખુલ્લા પત્રમાં કરવામાં આવેલા દાવા, પ્રશ્નો અને આક્ષેપોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આ મુદ્દાઓ અંગે રાજકોટ મહાનગરપાલિકા તરફથી સત્તાવાર પ્રતિસાદ અથવા સ્પષ્ટતા હજી સુધી સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE