સુરત: દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને કોઈપણ પ્રકારની રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિને નિષ્ફળ બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના સુવાલી બીચ અને આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ તથા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
મરીન ટાસ્ક ફોર્સના ADGP અમિત વિશ્વકર્મા અને DIGP એ. એમ. મુનિયાના માર્ગદર્શન હેઠળ, મરીન ટાસ્ક ફોર્સ–હજીરાના પોલીસ અધિક્ષક તથા મરીન સેક્ટર કમાન્ડર એસ. જે. પરમારના નેતૃત્વમાં સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું. કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. જાંબુકીયા, PSI બી. આર. તડવી, PSI એસ. બી. પટેલ તેમજ મરીન કમાન્ડોની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો.
ઓપરેશન દરમિયાન કમાન્ડોઝ દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અવાવરૂ વિસ્તારો, ઝાડી-ઝાંખરા તેમજ સંભવિત છુપાવાના સ્થળોની સઘન તપાસ કરી કોઈપણ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી હતી.
દરિયાઈ માર્ગે થતી ઘૂસણખોરી, દાણચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાના હેતુથી કિનારે લાંગરેલી તેમજ શંકાસ્પદ જણાતી બોટોનું ઓન-સ્પોટ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વિસ્તારમાં ફરતા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી તેમની ઓળખ અને હિલચાલની પણ ચકાસણી કરવામાં આવી હતી.
મરીન ટાસ્ક ફોર્સે જણાવ્યું છે કે દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં પણ આવા કોસ્ટલ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશનો નિયમિત રીતે હાથ ધરવામાં આવશે, જેથી દરિયાઈ સરહદો પર સતત ચુસ્ત નજર રાખી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને સમયસર નિષ્ફળ બનાવી શકાય.











