દર્દીઓની સુરક્ષા માટે સરકાર કડક! 16 કોમ્બિનેશન દવાઓ પર પ્રતિબંધ, વેચાણ-ઉત્પાદન બંધ

નવી દિલ્હી: દેશભરમાં દવાઓના ઉપયોગને વધુ સુરક્ષિત બનાવવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે 16 ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ સંબંધિત દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ થઈ ગયો છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દવાઓની અસરકારકતા અને સલામતી અંગે લાંબા સમયથી પ્રશ્નો ઉઠી રહ્યા હતા. વિવિધ નિષ્ણાત સમિતિઓ દ્વારા કરવામાં આવેલી સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે આ દવાઓના સંયોજનો દર્દીઓને કોઈ નોંધપાત્ર વધારાનો લાભ આપતા હોવાના પૂરતા વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી.

વર્ષ 2021થી શરૂ થયેલી સમીક્ષા પ્રક્રિયા દરમિયાન ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB) અને તેની પેટા-સમિતિએ વિવિધ સંશોધન, ક્લિનિકલ અભ્યાસો અને ઉપલબ્ધ ડેટાનો અભ્યાસ કર્યો હતો. સાથે જ દવા ઉત્પાદક કંપનીઓને પણ પોતાનો અભિપ્રાય અને પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવી હતી.

વિગતવાર તપાસ બાદ નિષ્ણાત સમિતિએ ડિસેમ્બર 2024માં 16 દવા સંયોજનોને બજારમાંથી હટાવવાની ભલામણ કરી હતી. સમિતિનું માનવું હતું કે આ દવાઓના ઉપયોગથી દર્દીઓને મળતા ફાયદા કરતાં સંભવિત જોખમો વધુ હોઈ શકે છે.

પ્રતિબંધિત દવાઓમાં એમોક્સિસિલિન-સેરેટિઓપેપ્ટિડેઝ, સેફ્યુરોક્સાઇમ-સેરેટિઓપેપ્ટિડેઝ અને સેફાડ્રોક્સિલ-પ્રોબેનેસિડ જેવા અનેક એન્ટિબાયોટિક સંયોજનોનો સમાવેશ થાય છે. નિષ્ણાતોના મતે આવા સંયોજનોનો ઉપયોગ તબીબી રીતે જરૂરી હોવાનું પૂરતા પ્રમાણમાં સાબિત થયું નથી.

સરકારના આ પગલાને જાહેર આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે બિનજરૂરી અને વૈજ્ઞાનિક આધાર વગરની દવાઓને બજારમાંથી દૂર કરવાથી દર્દીઓની સુરક્ષા વધશે અને દવાઓનો જવાબદાર ઉપયોગ પ્રોત્સાહિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE