સુરત: હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી ચાલી રહેલી મંદીના કારણે રત્નકલાકારોના પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આવા સમયમાં ડાયમંડ વર્કર યુનિયન અને રત્નકલાકાર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપતી એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે.
રત્નકલાકાર વેલ્ફેર ટ્રસ્ટના ઉપક્રમે આર્થિક રીતે નબળા રત્નકલાકારોના બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન અંદાજે 10 હજાર વિદ્યાર્થીઓને 1 લાખથી વધુ નોટબુકો આપવામાં આવી હતી, જેથી તેમના અભ્યાસમાં કોઈ અડચણ ન આવે.
આયોજકોના જણાવ્યા અનુસાર, હીરા ઉદ્યોગમાં મંદીના કારણે અનેક પરિવારોની આવક ઘટી છે. આવી સ્થિતિમાં બાળકોના શૈક્ષણિક ખર્ચમાં મદદરૂપ થવાના હેતુથી આ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર આયોજન ડાયમંડ ઉદ્યોગના અગ્રણી દાતાઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગથી શક્ય બન્યું હતું. દાતાઓએ શિક્ષણ ક્ષેત્રે સહાય કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું કે મુશ્કેલ આર્થિક સંજોગોમાં પણ બાળકોનું શિક્ષણ અટકવું ન જોઈએ. સમાજના સહયોગથી જ આવા પરિવારોને નવી આશા અને હિંમત મળી શકે છે.
રત્નકલાકારોના પરિવારો માટે આ પહેલ માત્ર શૈક્ષણિક સહાય નહીં પરંતુ મુશ્કેલ સમયમાં મળેલો એક મહત્વપૂર્ણ સહારો બની છે.











