મુંબઈ: મહારાષ્ટ્રના બદલાપુર નજીક થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. જન્મદિવસની ઉજવણી કર્યા બાદ મિત્રો સાથે ડ્રાઇવ પર નીકળેલા યુવકનું જીવન થોડા જ સમયમાં દુર્ઘટનામાં સમાપ્ત થઈ ગયું હતું. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અતિઝડપે દોડી રહેલી BMW કાર ડિવાઈડર સાથે અથડાતા બે લોકોના મોત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બદલાપુરના રહેવાસી **યોગેશ નેગી (26)**નો રવિવારે જન્મદિવસ હતો. જન્મદિવસની ઉજવણી પૂર્ણ થયા બાદ યોગેશ, તેની મિત્ર રેબેકા જેકબ (24) અને અન્ય એક મિત્ર કારમાં મોડી રાત્રે ડ્રાઇવ માટે નીકળ્યા હતા. આ દરમિયાન એરંજાડ વિસ્તાર નજીક કારના ચાલકે કાબૂ ગુમાવતા વાહન સીધું ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું.
અકસ્માત એટલો ભયાનક હતો કે BMW કારના કચ્ચરઘાણ નીકળી ગયા હતા. કાર અનેક વખત પલટી ખાઈને રોડ પર લાંબા અંતર સુધી ઘસડાઈ હતી. ઘટનાસ્થળના દૃશ્યો જોઈ લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
અહેવાલો મુજબ, અકસ્માત સમયે કારની ઝડપ 251 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ યોગેશ નેગી અને રેબેકા જેકબને બચાવી શકાયા નહોતા. અન્ય એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અતિઝડપ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટના હાઈવે પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના ગંભીર પરિણામોની ફરી એકવાર ચેતવણીરૂપ સાબિત થઈ છે.











