દુનિયાભરમાં પ્રવર્તી રહેલી આર્થિક અનિશ્ચિતતા અને પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે ભારત વિશ્વની સૌથી મજબૂત ઊભરતી અર્થવ્યવસ્થા તરીકે બહાર આવ્યું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વૈશ્વિક આર્થિક સુસ્તી છતાં વર્ષ 2026-27માં ભારતનો વિકાસ દર 6.5 ટકાની આસપાસ રહી શકે છે.
રિપોર્ટ અનુસાર, વિશ્વના મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ આગામી એક વર્ષમાં વૈશ્વિક આર્થિક વિકાસની ગતિ ધીમી પડવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, ભારત એક એવો દેશ સાબિત થઈ રહ્યો છે. જ્યાં મજબૂત સ્થાનિક માંગ, વિદેશી રોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર (પાયાની સુવિધાઓ) પર સતત થઈ રહેલો ખર્ચ દેશના અર્થતંત્રને મજબૂત ટેકો આપી રહ્યો છે.
હોર્મુઝ સંકટ વૈશ્વિક અર્થતંત્ર માટે મોટો ખતરો રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) બંધ થવાની આશંકા વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ગંભીર કટોકટી સર્જી શકે છે. નિષ્ણાતોના મતે આ પરિસ્થિતિ અગાઉના વૈશ્વિક ટેરિફ વિવાદો કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. સર્વેમાં સામેલ 94 ટકા અર્થશાસ્ત્રીઓએ સ્વીકાર્યું છે કે જો હોર્મુઝ જળમાર્ગ લાંબા સમય સુધી બંધ રહેશે તો વૈશ્વિક સ્તરે ઉર્જા (ક્રૂડ ઓઇલ) અને ખાદ્ય પદાર્થોના ભાવમાં તોતિંગ વધારો થઈ શકે છે. તેમજ ગ્લોબલ સપ્લાય ચેઈનને પણ મોટો ફટકો પડશે. જો આ સંકટ વર્ષના અંત સુધી ચાલુ રહેશે તો તેની અસરો કોવિડ-19 મહામારી જેવી ગંભીર આર્થિક પડકારોની નજીક પહોંચી શકે છે.
ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિક ભરોસો વર્લ્ડ ઇકોનોમિક ફોરમે નોંધ્યું છે કે, ભારતે પોતાની વ્યાપાર નીતિઓને વધુ ઉદાર બનાવવા, માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા, ટેકનોલોજીકલ રોકાણ વધારવા અને સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં ભારત કદ, વિકાસ અને લાંબા ગાળાની સંભાવનાઓનું સૌથી સંતુલિત મિશ્રણ રજૂ કરે છે. જેથી પશ્ચિમ એશિયાના સંઘર્ષની વચ્ચે પણ ભારત દેશની આંતરિક માંગના જોરે વૈશ્વિક સંકટ સામે ટકી રહેવા સક્ષમ છે.
વિશ્વમાં મંદીની આશંકા વધી આ સર્વેક્ષણમાં સામેલ આશરે 90 ટકા અર્થશાસ્ત્રીઓએ આગામી એક વર્ષમાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ ધીમી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે 13 ટકા નિષ્ણાતોએ સંપૂર્ણ વૈશ્વિક મંદીની આશંકા જતાવી છે. પશ્ચિમ એશિયાના સંકટની સૌથી વધુ માઠી અસર મિડલ ઇસ્ટ અને ઉત્તર આફ્રિકાના દેશો પર પડી શકે છે. તેનાથી વિપરીત, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) જેવા દેશોના મજબૂત સ્થાનિક બજારો તેમને વૈશ્વિક સ્તરે અસ્થિરતા વચ્ચે પણ સ્થિર રાખવામાં મદદ કરશે.
Post Views: 44











