ચોમાસુ નજીક આવતા જ ખેતીકાર્ય માટે ખાતરની માંગમાં વધારો થયો છે.પરંતુ ઝાલોદ પંથકમાં ખાતરની ગંભીર અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખાતર મેળવવા માટે ખેડૂતોને વહેલી સવારથી સાંજ સુધી લાંબી કતારોમાં ઉભા રહેવું પડી રહ્યું છે. ખેડૂતોની આ સમસ્યાને ધ્યાને લઈ આમ આદમી પાર્ટીના પ્રભારી અનિલભાઈ ગરાસિયાએ ખાતર ડેપોની ઓચિંતી મુલાકાત લીધી હતી.
સ્થળ પરની સ્થિતિની વિગતો આપતા અનિલભાઈ ગરાસિયાએ જણાવ્યું હતું કે, “ઝાલોદમાં મોટાભાગની ખાતરની દુકાનો બંધ હાલતમાં જોવા મળી છે, પરિણામે માત્ર એક જ સંઘના ડેપો પર ખેડૂતોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગુરુ, લીમડી, સંજેલી અને ફતેપુરા જેવા દૂરના તાલુકાઓમાંથી પણ ખેડૂતોને ખાતર મેળવવા માટે ઝાલોદ સુધી આવવું પડે છે, છતાં તેમને ખાતર મળતું નથી. ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં ખાલી હાથે પાછા ફરે છે, જે અત્યંત દુઃખદ છે.”
સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કરતા તેમણે વધુમાં જણાવ્યું કે, ચોમાસું માથે છે ત્યારે ખેડૂતોને સમયસર ખાતર ન મળવું એ ખેતીના પાક માટે જોખમી છે. આ અંગે તેમણે તાત્કાલિક અસરથી ખેતીવાડી અધિકારીને ટેલીફોનિક રજૂઆત કરી હતી અને ઝાલોદ ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ ખાતરનો પૂરતો જથ્થો તાત્કાલિક પહોંચાડવા માંગ કરી છે.
આમ આદમી પાર્ટીએ ચેતવણીના સૂરમાં જણાવ્યું છે કે, જો ખેડૂતોને પડતી આ મુશ્કેલીઓનો સત્વરે ઉકેલ નહીં આવે અને ખાતરનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત નહીં કરવામાં આવે, તો ખેડૂતોના હિતમાં આગામી સમયમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.
રિપોર્ટર યાસીર ગુડાલા દાહોદ
Post Views: 49










