બોડેલી-જબુગામને જોડતો મરીયા બ્રિજ જર્જરિત: ડાયવર્જન પર કલાકો સુધી ટ્રાફિક જામ, ચોમાસા પહેલા હજારો ગ્રામજનો સંપર્કવિહોણા થવાનો ભય!

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાંથી પસાર થતા અને બોડેલી તથા જબુગામને જોડતા અત્યંત મહત્વપૂર્ણ એવા મરીયા બ્રિજ તેમજ તેના ડાયવર્જન પર હાલ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ભારે ટ્રાફિક જામના કારણે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો કલાકો સુધી અટવાઈ પડ્યા છે અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

મહત્વની વાત એ છે કે, મરીયા નદી પર આવેલો આ મુખ્ય બ્રિજ લાંબા સમયથી અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. બ્રિજની આવી દયનીય સ્થિતિના કારણે ગમે ત્યારે કોઈ મોટી હોનારત કે દુર્ઘટના સર્જાવાનો ભય સતત તોળાઈ રહ્યો છે.

હાલ ચોમાસાની શરૂઆત જેવો માહોલ સર્જાયો છે, ત્યારે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને ચિંતા વ્યાપેલી છે. જો આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડશે, તો આ ટ્રાફિકની સમસ્યા વધુ વણસશે એટલું જ નહીં, પરંતુ તંત્ર દ્વારા બનાવવામાં આવેલું કાચું ડાયવર્જન પાણીના ભારે પ્રવાહમાં ધોવાઈ જવાની પણ પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે.

જો આ કામચલાઉ ડાયવર્જન તૂટશે તો બોડેલીથી જબુગામ સહિત આજુબાજુના અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોનો સીધો સંપર્ક તૂટી જશે અને હજારો લોકો સંપૂર્ણપણે સંપર્કવિહોણા બની જશે. સ્થાનિક જનતામાં વ્યાપેલા ભારે આક્રોશ વચ્ચે હવે એવી ઉગ્ર માંગ ઉઠી રહી છે કે તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને આ જર્જરિત બ્રિજ તેમજ ડાયવર્જનના મામલે ચોમાસું જામતા પહેલાં વહેલી તકે કોઈ નક્કર અને આગોતરી કામગીરી પૂર્ણ કરે.

રીપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Comment

READ MORE

READ MORE