છોટાઉદેપુર જિલ્લાના મકાઈ પકવતા હજારો ખેડૂતો પર પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મકાઈની ખરીદીની મર્યાદા અચાનક ઘટાડી દેવાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગઈકાલથી અમલી બનેલા સરકારના એક નવા પરિપત્રને કારણે પાવીજેતપુર ખરીદ કેન્દ્ર પર પોતાની ઉપજ વેચવા આવેલા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને પકવેલો માલ પરત લઈ જવાની ફરજ પડી છે.
ચાલુ સિઝનમાં છોટાઉદેપુર જિલ્લામાં ૩૬૦૦ કરતાં વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મકાઈ વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે તે સમયે ખુલ્લા બજારમાં મકાઈનો ભાવ પ્રતિ મણ ₹૪૦૦ આસપાસ ચાલી રહ્યો હતો, જ્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે ₹૪૮૦ નો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર અને મહેનત કરી હતી.
અગાઉ સરકારના નિયમ મુજબ પ્રતિ ખેડૂત ૬૦ કટ્ટા (બોરી) મકાઈ ખરીદવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. ખેડૂતો આ મર્યાદા મુજબ પોતાના વાહનોમાં મકાઈ ભરીને પાવીજેતપુર ખાતે આવેલા સરકારી ગોડાઉન પર પહોંચ્યા હતા. પરંતુ ગઈકાલથી સરકારે અચાનક નવો પરિપત્ર જાહેર કરીને ખરીદીની મર્યાદા ૬૦ કટ્ટાથી ઘટાડીને સીધી ૩૦ કટ્ટા કરી દીધી છે.
આ અણધાર્યા નિર્ણયને કારણે પાવીજેતપુર ગોડાઉન ખાતે મકાઈ ભરીને આવેલા ખેડૂતો સ્તબ્ધ થઈ ગયા હતા. અડધોઅડધ માલ રીજેક્ટ થતાં, ખેડૂતોને મહામહેનતે અને મોંઘા ભાડાના ટ્રેક્ટરો ભરીને લાવેલી મકાઈ પરત લઈ જવાનો વારો આવ્યો છે.
ખેડૂતોની વેદના:
“મહા મહેનતે રાત-દિવસ એક કરીને પકવેલી મકાઈ હવે સરકારી ગોડાઉનેથી પાછી લઈ જવી પડી રહી છે. ટ્રેક્ટરનું ભાડું માથે પડ્યું છે અને હવે ઘરનું ગુજરાન ચલાવવા માટે અમારે આ મકાઈ બજારમાં ખૂબ જ ઓછા ભાવે વેચવા મજબૂર બનવું પડશે.”
સરકારના આ ખેડૂત વિરોધી પરિપત્રને પગલે સ્થાનિક કક્ષાએ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે હવે ભાજપના જ એક સક્રિય કાર્યકર એવા લલિતભાઈ વકીલ ખેડૂતોની વ્હારે આવીને પોતાની જ સરકાર સામે બે હાથ જોડીને વિનંતી કરી છે. તેમણે ઉચ્ચ કક્ષાએ અપીલ કરતાં જણાવ્યું છે કે, ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા હોવાથી સરકારે તાકીદે આ પરિપત્ર પાછો ખેંચવો જોઈએ અને ખેડૂતોની તમામ મકાઈ જૂની મર્યાદા મુજબ પૂરેપૂરી ખરીદવી જોઈએ.
હવે જોવાનું એ રહે છે કે જિલ્લા તંત્ર અને સરકાર આ બાબતે વહેલી તકે કોઈ વચગાળાનો રસ્તો કાઢે છે કે પછી જગતના તાતને ફરી એકવાર વ્યાપારીઓના ભરોસે સસ્તા ભાવે માલ વેચી દેવો પડશે.
રીપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર
Post Views: 32










