દેવગઢ બારિયા વિસ્તારમાં ગેરકાયદેસર ખનન અને ઓવરલોડ રેતીના પરિવહન સામે સ્થાનિક વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલી આકસ્મિક કાર્યવાહીમાં નિયમોનું ઉલ્લંઘન કરતા 9 ડમ્પર ઝડપાયા છે.
લાંબા સમયથી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન અને ઓવરલોડ વાહનોની બેફામ અવરજવર અંગે સ્થાનિકો દ્વારા ફરિયાદો ઉઠાવવામાં આવી હતી. આ ફરિયાદોના પગલે તંત્ર સક્રિય બન્યું હતું. પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ઓવરલોડ અને શંકાસ્પદ રેતી ભરેલા 9 ડમ્પરોને અટકાવ્યા હતા.
આ કાર્યવાહી અંગે માહિતી આપતા મામલતદારે જણાવ્યું હતું કે, ઓવરલોડિંગ અને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ ₹4,26,278/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન એક ડમ્પર ચાલક વાહનના જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યો ન હતો. આ વાહનને કાયદેસરની વધુ કાર્યવાહી માટે જિલ્લાના ખાણ-ખનિજ વિભાગને સોંપવામાં આવ્યું છે.
સ્થાનિક નાગરિકોએ તંત્રની આ કાર્યવાહીને આવકારી છે, પરંતુ સાથે જ એવી માંગ કરી છે કે માત્ર પરિવહન કરતા વાહનો પર દંડ કરવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે નહીં. નદી પટમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન પર પણ ખાણ-ખનિજ વિભાગ દ્વારા કડક અને નક્કર કાર્યવાહી થાય તે અત્યંત આવશ્યક છે.
આ કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ નિયમ વિરુદ્ધની પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે.
રિપોર્ટર: યાસીર ગુડાલા, દાહોદ
Post Views: 32










