ભારત આદિવાસી પાર્ટી દ્વારા ‘વનવાસી’ શબ્દના પ્રયોગનો વિરોધ: મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ફતેપુરા ખાતે ભારત આદિવાસી પાર્ટી દ્વારા દેશના ગૃહમંત્રી દ્વારા આદિવાસી સમાજ માટે ‘વનવાસી’ શબ્દના ઉપયોગના વિરોધમાં ફતેપુરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ દેશના મૂળનિવાસી સમુદાય તરીકે પોતાની ગૌરવશાળી અલગ ઓળખ, સંસ્કૃતિ, પરંપરા, ભાષા અને ઇતિહાસ ધરાવે છે. 

‘વનવાસી’ શબ્દ આદિવાસી સમાજના ઐતિહાસિક અસ્તિત્વ અને બંધારણીય ઓળખને યોગ્ય રીતે પ્રતિબિંબિત કરતો નથી. તેથી, સરકારી તંત્ર અને જવાબદાર પદ પર બેઠેલા નેતાઓએ સમાજની લાગણીઓને સમજીને માત્ર ‘આદિવાસી’ શબ્દનો જ સન્માનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.

આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આદિવાસી સમાજ માટે ‘વનવાસી’ જેવા શબ્દોનો ઉપયોગ ટાળવામાં આવે અને સમાજના બંધારણીય અધિકારો તથા ગૌરવનું જતન કરવામાં આવે.

આ કાર્યક્રમમાં ભારત આદિવાસી પાર્ટીના તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ પારગી, ડાહ્યાભાઈ એડવોકેટ અને બી.સી.સી. (BCC) અધ્યક્ષ મહેશભાઈ પારગી સહિત મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ આદિવાસી સમાજની ઓળખ, જળ-જંગલ-જમીનના હકો અને સામાજિક ગૌરવના મુદ્દે એકતા જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર :યાસીર ગુડાલા, દાહોદ

Leave a Comment

READ MORE

READ MORE