પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) હાલમાં યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. ઈરાન, અમેરિકા અને અન્ય દેશો વચ્ચે વધતા તણાવ અને મિસાઈલોના ગડગડાટ વચ્ચે સાઉદી અરેબિયામાંથી એક ચોંકાવનારા અને ખુશખબર સામે આવ્યા છે. સાઉદીના ધગધગતા રણ દેશે પોતાના ગર્ભમાંથી એક એવો પ્રાચીન ખજાનો ઓક્યો છે. જેને જોઈને આખી દુનિયાના હોશ ઉડી ગયા છે.
પુરાતત્વવિદોને રણની રેતી નીચે દટાયેલા એક પ્રાચીન માટીના ઘડામાંથી આશરે1200 વર્ષ જૂના અત્યંત કિંમતી રત્નો અને સોના-ચાંદીના દાગીના મળી આવ્યા છે. સાઉદી હેરિટેજ કમિશને આ અદ્ભુત શોધની સત્તાવાર જાહેરાત કરીને તેને ‘દીરિયા ટ્રેઝર’ (દીરિયા ખજાનો) નામ આપ્યું છે.
6 વર્ષની સખત મહેનત પછી મળી સફળતા
આ ઐતિહાસિક ખજાનો વૈજ્ઞાનિકોને કોઈ રાતોરાત કે નસીબજોગે નથી મળ્યો. પુરાતત્વવિદોની એક ટીમ છેલ્લા 6 વર્ષથી સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ નજીક આવેલા ઐતિહાસિક સ્થળ ‘ધૂરિયા’ (દીરિયા) ખાતે દિવસ-રાત ખોદકામ કરી રહી હતી.
તાજેતરમાં જ ઉત્ખનન દરમિયાન સંશોધકોને જમીનની નીચે પ્રાચીન રહેણાંક ઇમારતોની દિવાલો અને ખંડેરો મળી આવ્યા હતા. આ ખંડેરોની વચ્ચે ઝીણવટભરી તપાસ કરતા માટીના વાસણો અને કાચના કેટલાક ટુકડા દેખાયા હતા. ત્યાં વધુ ઊંડું ખોદકામ કરતા જ સદીઓ જૂનો આ કિંમતી ઘડો બહાર આવ્યો હતો.
વેરાન રણમાં ક્યાંથી આવ્યો આ ખજાનો?
ઇતિહાસકારોએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવતા જણાવ્યું છે કે, આ શોધ પાછળ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છુપાયેલી છે:
-
પ્રાચીન હજ માર્ગ: જે જગ્યાએથી આ ખજાનો મળ્યો છે, તે વિસ્તાર પ્રાચીન સમયમાં ઇરાકના બસરા શહેરથી સાઉદી અરેબિયાના પવિત્ર મક્કા શહેર તરફ જનારા હજ યાત્રાળુઓ અને વેપારીઓ માટે રોકાણનું એક મુખ્ય સ્ટેશન (પડાવ) હતું.
-
લૂંટારુઓનો ડર: ઇતિહાસકારોનું માનવું છે કે આજથી આશરે 1200 વર્ષ પહેલાં કોઈ અત્યંત ધનાઢ્ય વેપારી કે યાત્રાળુ આ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હશે. રસ્તામાં લૂંટારુઓ કે દુશ્મનોના હુમલાના ડરથી તેણે પોતાના જીવથી પણ વહાલા ખજાનાને બચાવવા માટે જમીનમાં દાટી દીધો હશે.
-
અધૂરી સફર: એવું અનુમાન છે કે, તે યાત્રાળુ કોઈ કારણસર ક્યારેય પાછો ફરી શક્યો નહીં, જેના કારણે આ ખજાનો સદીઓ સુધી જમીનની નીચે જ દટાયેલો રહ્યો.
અબ્બાસિદ કાળની અદ્ભુત કારીગરી
નિષ્ણાતોના મતે, આ ખજાનો ઇસવીસન 750ની આસપાસના ‘અબ્બાસિદ ખિલાફત’ના શરૂઆતના સમયનો છે.
ઘડામાંથી મળેલા સોનાના ટુકડાઓ અને ઘરેણાં પર ફૂલોની અત્યંત બારીક અને આકર્ષક ડિઝાઇન કંડારેલી છે. સોનાના સ્તરોને ઉપસાવીને તેની વચ્ચે કિંમતી રત્નો જડવાની આ કળા તે સમયના કારીગરોની અદ્ભુત કુશળતા દર્શાવે છે.
હાલમાં સોના-ચાંદી કરતાં પણ વધુ કિંમતી એવા ઇતિહાસના આ અમૂલ્ય દસ્તાવેજો અને ઘરેણાંને આગળના વૈજ્ઞાનિક સંશોધન માટે લેબોરેટરીમાં અત્યંત સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. આ શોધે સાઉદી અરેબિયાના સમૃદ્ધ ઇતિહાસમાં એક નવું સોનેરી પ્રકરણ ઉમેર્યું છે.
Post Views: 23










