ધોલેરા કાર્ગો એરપોર્ટ સાઇટ પર કરૂણ અકસ્માત, વીજ આંચકાથી બે શ્રમિકોના મોત

અમદાવાદ જિલ્લાના ધોલેરા એસ.આઈ.આર. વિસ્તારમાં નિર્માણાધીન કાર્ગો એરપોર્ટ સાઇટ પર આજે દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એરપોર્ટ ખાતે ફાયર કેબલ નાખવાની કામગીરી દરમિયાન શ્રમિકો લોખંડની ઘોડી (સ્ટેન્ડ)નો ઉપયોગ કરી રહ્યા હતા. આ દરમિયાન લોખંડની ઘોડી નજીકથી પસાર થતી હાઇ-વોલ્ટેજ વીજ લાઇન સાથે અડી જતાં પાંચ શ્રમિકોને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો.

અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્ત તમામ શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે ધંધુકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પાંચમાંથી બે શ્રમિકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય ત્રણ શ્રમિકોની સારવાર ચાલી રહી છે.

ધોલેરા એસ.આઈ.આર. વિસ્તારમાં હાલ મહત્ત્વાકાંક્ષી કાર્ગો એરપોર્ટના નિર્માણની કામગીરી ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓ હોસ્પિટલ તથા અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ દુર્ઘટનાએ નિર્માણ સાઇટ પર સુરક્ષા વ્યવસ્થાઓ સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. હાઇ-વોલ્ટેજ લાઇનની નજીક કામગીરી દરમિયાન જરૂરી સુરક્ષા ધોરણોનું પાલન થયું હતું કે નહીં તે અંગે તપાસ બાદ વધુ વિગતો બહાર આવશે.

Leave a Comment

READ MORE

READ MORE