વડોદરા પોલીસના એ.એચ.ટી.યુ. યુનિટના ASI સસ્પેન્ડ
વડોદરા શહેર પોલીસ તંત્રમાં ઉપરાછાપરી કડક કાર્યવાહીના આદેશોને પગલે ભારે સન્નાટો અને ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં બાપોદ પોલીસ સ્ટેશનના પી.આઇ. અને પી.એસ.આઇ.ના સસ્પેન્શન બાદ હવે એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) માં ફરજ બજાવતા એ.એસ.આઇ. (ASI) ને સસ્પેન્ડ કરી જિલ્લા બહાર દ્વારકા ખાતે બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે.
પોલીસ બેડામાં થયેલી કડક કાર્યવાહીની મુખ્ય વિગતો:
-
AHTU ના ASI નું સસ્પેન્શન અને બદલી: અગાઉ પી.સી.બી. (PCB) માં ફરજ બજાવી ચૂકેલા અને હાલ વડોદરાના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) માં કાર્યરત એ.એસ.આઇ. દિપેશસિંગને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમની વડોદરા જિલ્લા બહાર દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરવાનો ઓર્ડર પણ જારી કરવામાં આવ્યો છે.
-
દારૂના કેસ અને ગેરશિસ્તની ચર્ચા: સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘વહીવટદાર’ની છાપ ધરાવતા એ.એસ.આઇ. વિરુદ્ધ નંદેસરી વિસ્તારમાંથી ઝડપાયેલા કુખ્યાત બૂટલેગર મનોજ પાપડના દારૂના કેસના અનુસંધાને અથવા ખાતાકીય ગેરશિસ્ત બદલ આ કડક પગલું લેવામાં આવ્યું હોવાની ચર્ચા પોલીસ બેડામાં જોરશોરથી ચાલી રહી છે. જોકે, આ બદલી અને સસ્પેન્શન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન પ્રાપ્ત થયું નથી.
-
બાપોદના PI અને PSI પણ થયા હતા સસ્પેન્ડ: ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે વડોદરાના ખોડિયારનગર સ્થિત સફેદ વુડાના મકાનની પાછળ આવેલા નિલકંઠ વીલા ફ્લેટના પાર્કિંગમાં દારૂના કટિંગ સમયે દરોડો પાડીને રૂ. ૮૪.૦૧ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગંભીર બેદરકારી બદલ રાજ્ય પોલીસ વડા (DGP) ની કચેરી દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનના પી.આઇ. ડી.ડી. લાડુમોર અને પી.એસ.આઇ. આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રાજ્ય પોલીસ વડાની કચેરીમાંથી ઉપરાછાપરી થયેલા આ ત્રણ મોટા ઓર્ડરને પગલે વડોદરા પોલીસ તંત્રમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓ અને અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.











