Toll પાર કરતા જ આવશે SMS, ધ્યાન નહિં આપો તો થશે ₹10,000 સુધીનો દંડ! NHAIએ શરૂ કર્યો પાયલોટ પ્રોજેક્ટ
રસ્તા પર કાર લઈને સફર કરતી વખતે જો તમારા વાહનનો વીમો (Insurance) પૂરો થઈ ગયો હશે, તો હવે છટકી શકાશે નહીં. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા એક અત્યાધુનિક સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેની મદદથી ટોલ પ્લાઝા પરથી પસાર થતા જ વાહનચાલકોને તેમના વીમાની સ્થિતિ વિશે તાત્કાલિક મેસેજ મળી જશે. જો કોઈ વાહનચાલક વ્હીકલનો વીમો કઢાવ્યા વગર જ હાઈવે પર દોડાવતો હશે, તો તેને નિયમો અનુસાર મોટો દંડ ભરવો પડી શકે છે.
આ નવી સિસ્ટમ અને પ્રોજેક્ટની મુખ્ય વિગતો:
-
પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ: NHAI દ્વારા આ નવી સિસ્ટમનું પરીક્ષણ કરવા માટે દિલ્હીમાં અર્બન એક્સટેંશન રોડ-II (UER-II) પર આવેલા મુંડકા ટોલ પ્લાઝા પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આગામી સમયમાં આ સિસ્ટમને દેશભરના તમામ નેશનલ હાઈવે પર લાગુ કરવામાં આવશે.
-
સિસ્ટમ કેવી રીતે કામ કરશે?: આ પ્રોસેસ અંતર્ગત ટોલ પ્લાઝા અને સરકારી ‘વાહન’ (Vahan) પોર્ટલ વચ્ચે ડેટા શેર કરવામાં આવે છે. જેવું કોઈ વાહન ટોલ પ્લાઝાથી પસાર થાય છે, સિસ્ટમ આપમેળે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ના ડેટાબેસ સાથે વાહનના વીમાની વેલિડિટી ચકાસે છે. જો વીમો એક્સપાયર થઈ ગયો હોય અથવા ન લીધો હોય, તો વાહન માલિકના મોબાઈલ પર તુરંત જ SMS આવી જાય છે.
-
SMS માં કઈ માહિતી મળશે?: આ મેસેજમાં વાહનનો રજીસ્ટ્રેશન નંબર, ટોલ પ્લાઝા પસાર કર્યાનો સમય, વીમો સમાપ્ત થયાની તારીખ (Expiry Date) દર્શાવવામાં આવે છે અને વાહન માલિકને સમયસર વીમો રિન્યૂ કરાવવાની સલાહ આપવામાં આવે છે.
-
દંડની જોગવાઈ: ભારતમાં મોટર વાહન અધિનિયમ મુજબ થર્ડ પાર્ટી વીમો ફરજિયાત છે. જો વીમા વગર વાહન ચલાવતા પકડાઈ જવાય, તો પ્રથમ વખત નિયમભંગ કરવા પર બેઝ પ્રીમિયમના ૩ ગણા એટલે કે ₹૫,૦૦૦ અને બીજી વખત પકડાય તો ૫ ગણા એટલે કે ₹૧૦,૦૦ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ છે.










