ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-2026 અમદાવાદ ખાતે યોજાશે; DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિત 1152 જવાનો-અધિકારી ઉતરશે
દેશના તમામ પોલીસ દળો અને અર્ધલશ્કરી દળોમાં ખેલદિલી, શારીરિક સક્ષમતા અને પરસ્પર ભાઈચારો વધારવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત પોલીસની યજમાનીમાં અમદાવાદ ખાતે ‘તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર-૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૯ થી ૨૪ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષ ખાતે યોજાનારી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં બેડમિન્ટન અને ટેબલ ટેનિસની રમતો રમાશે. આ ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ આવતીકાલે તા. ૧૯ નવેમ્બરના રોજ રાજ્ય પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં યોજાશે.
ટુર્નામેન્ટ અને ખેલાડીઓની સહભાગિતાની મુખ્ય વિગતો:
-
૩૮ ટીમો અને ૧,૧૫૨ ખેલાડીઓની સહભાગિતા: આ રાષ્ટ્રીય સ્પર્ધામાં વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય પોલીસ દળોની મળીને કુલ ૩૮ ટીમો ભાગ લઈ રહી છે. જેમાં દેશભરમાંથી ૮૯૦ પુરુષ ખેલાડીઓ તેમજ ૨૭૨ મહિલા ખેલાડીઓ પોતપોતાની ટીમનું પ્રતિનિધિત્વ કરશે.
-
હોદ્દાના ભેદભાવ વિના અધિકારીઓ અને જવાનો રમશે: રમતના મેદાનમાં હોદ્દાના ભેદભાવ વિના ૪૬૩ ગેઝેટેડ ઓફિસર્સ અને ૬૯૯ નોન-ગેઝેટેડ ઓફિસર્સ ખભે-ખભો મિલાવીને પોતાની રમતગમતની પ્રતિભાનું પ્રદર્શન કરશે.
-
રાજ્ય પોલીસ વડા પણ બનશે સહભાગી: આ ટુર્નામેન્ટની વિશેષતા એ છે કે ગુજરાતના રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક સ્વયં બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધામાં ખેલાડી તરીકે ભાગ લેશે.
-
કેન્દ્રીય દળોની ટીમો પણ સજ્જ: યજમાન ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તેલંગાણા સહિતના રાજ્યો તથા ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), CRPF અને BSF જેવા કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની ટીમો આ રોમાંચક મુકાબલાઓ માટે મેદાનમાં ઉતરશે.
-
માનસિક અને શારીરિક તંદુરસ્તીનો સંદેશ: DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું કે, ફરજની સતત વ્યસ્તતા વચ્ચે પોલીસ કર્મચારીઓમાં માનસિક અને શારીરિક તંદુરસ્તી જાળવી રાખવા તેમજ દેશભરના પોલીસ દળો વચ્ચે પરસ્પર સંકલન અને ટીમ ભાવના વધારવા માટે આ પ્રકારની સ્પર્ધાઓ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે.











