ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ભાવનગર જિલ્લામાં સસત સુધારણા પ્રક્રિયા હેઠળ ૧૮-૧૯ વર્ષના નવા યુવા મતદારો અને નોંધણીથી વંચિત રહી ગયેલા નાગરિકો માટે ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના તમામ મતદાન મથકો પર ચાર રવિવારે ખાસ કેમ્પનું આયોજન કરાશે.
કેમ્પ દરમિયાન ડેઝીગ્નેટેડ ઓફિસર અને બૂથ લેવલ ઓફિસરો (BLO) સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી ઉપસ્થિત રહીને નવી નોંધણી માટેના ફોર્મ સ્વીકારશે. આ ઉપરાંત યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિવિધ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓ અને જનજાગૃતિના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે.
વિશેષ કેમ્પ અને નોંધણી પ્રક્રિયાના મુખ્ય મુદ્દાઓ:
-
કેમ્પની તારીખો: આગામી તા. ૧૧ ઓક્ટોબર, ૧૮ ઓક્ટોબર, ૨૫ ઓક્ટોબર અને ૧ નવેમ્બર (ચાર રવિવાર) ના રોજ મતદાન મથકો પર કેમ્પ યોજાશે.
-
સમય અને અધિકારીઓ: સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી તમામ મતદાન મથકો પર BLO અને ડેઝીગ્નેટેડ ઓફિસર હક્ક-દાવા અને અરજીઓ સ્વીકારવા હાજર રહેશે.
-
નવી નોંધણી માટે ફોર્મ નં.૬: હાલનો સમયગાળો નોન-SIR હોવાથી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે માત્ર ‘ફોર્મ નં.૬’ ભરીને પાત્રતા ધરાવતી વ્યક્તિ નામ નોંધાવી શકશે.
-
નિરીક્ષણ અને જાગૃતિ: કામગીરીના સુચારુ સંચાલન માટે સુપરવાઈઝરો, ERO અને AERO દ્વારા ક્ષેત્રિય નિરીક્ષણ કરાશે તેમજ કોલેજોમાં સ્વીપ (SVEEP) પ્રવૃત્તિઓ ચલાવાશે.
ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવાનો અને બાકી રહેલા નાગરિકોને આ વિશેષ કેમ્પનો લાભ લઈ મતદાર યાદીમાં નામ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.










