ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ (રેડ-બોલ) ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ૩૬ વર્ષીય ચહલે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને આ નિર્ણય જાહેર કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર રેડ-બોલ ક્રિકેટને અલવિદા કહી રહ્યા છે, જ્યારે વનડે (ODI) અને T20I જેવા વ્હાઇટ-બોલ ફોર્મેટમાં ભારતીય ટીમમાં વાપસી માટે સતત પ્રયાસો ચાલુ રાખશે.
ચહલે પોતાની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ કાઉન્ટી ક્રિકેટમાં નોર્થમ્પટનશાયર તરફથી ઐતિહાસિક લોર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે રમી હતી. ટેસ્ટ કેપ પહેરવાનું સપનું પૂરું ન થઈ શક્યાનો અફસોસ વ્યક્ત કરવાની સાથે તેમણે હરિયાણા ક્રિકેટ એસોસિએશન અને પોતાના સમર્થકોનો આભાર માન્યો હતો.
ચહલનું પ્રદર્શન અને સોશિયલ મીડિયા પોસ્ટના મુખ્ય મુદ્દાઓ:
-
ફર્સ્ટ ક્લાસ કરિયરના આંકડા: ૪૯ મેચની ૭૯ ઇનિંગ્સમાં ૩૨.૨૭ ની એવરેજથી ૧૪૮ વિકેટ ઝડપી. જેમાં ૬ વખત ૫ વિકેટ અને ૮ વખત ૪ વિકેટ લેવાની સિદ્ધિ સામેલ છે (સર્વશ્રેષ્ઠ પ્રદર્શન: ૪૪ રનમાં ૬ વિકેટ).
-
રેડ બોલ ક્રિકેટ અંગે લાગણી: ચહલે લખ્યું કે ૧૦ વર્ષની ઉંમરે પહેલીવાર રેડ બોલ પકડ્યો હતો. આ ફોર્મેટે તેમને ધીરજ, સંઘર્ષ અને ચરિત્ર શીખવ્યું છે. ભારત માટે ટેસ્ટ રમવાનું સપનું ભલે પૂરું ન થયું, પરંતુ મળેલી તકોથી તેઓ સંતોષ અનુભવે છે.
-
‘The Last Dance’ સસ્પેન્સ: ૨૩ સપ્ટેમ્બરે લોર્ડ્સથી તેમણે ‘The Last Dance’ કેપ્શન સાથે તસવીરો શેર કરી હતી, જે બાદ નિવૃત્તિ અંગે અટકળો તેજ થઈ હતી.
-
વ્હાઇટ બોલ ફોર્મેટ પર ફોકસ: ઓગસ્ટ ૨૦૨૩ થી ટીમ ઈન્ડિયા બહાર રહેલા ચહલે દેશ માટે રમવાની ભૂખ હજુ જીવંત હોવાનું જણાવી વ્હાઇટ-બોલ ટીમમાં પુનરાગમન કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.











