આગામી પાંચ વર્ષ માટે જવાબદારી; સંગઠનને વધુ મજબૂત બનાવવા સાથે યુવા, શિક્ષણ અને વ્યવસાય ક્ષેત્રે નવી પહેલ પર ભાર
રાજકોટ | વિશ્વભરના રઘુવંશી લોહાણા સમાજને એક સંગઠિત અને સશક્ત મંચ સાથે જોડવાના હેતુથી કાર્યરત શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા શ્રી મિતેશભાઈ રમેશચંદ્રભાઈ રૂપારેલિયાની સૌરાષ્ટ્ર ઝોન-૧ના પ્રભારી તરીકે આગામી પાંચ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે.
સમાજસેવા, સંગઠન અને સામાજિક જવાબદારીના ક્ષેત્રે લાંબા સમયથી સક્રિય રહેલા મિતેશભાઈ રૂપારેલિયા માટે આ જવાબદારી માત્ર પદ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર ઝોન-૧માં મહાપરિષદના સંગઠન અને સેવાકાર્યને વધુ વ્યાપક બનાવવાની મહત્વપૂર્ણ જવાબદારી ગણાઈ રહી છે.
મહાપરિષદના વરિષ્ઠ અગ્રણી શ્રી સંજયભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે, આજે શ્રી લોહાણા મહાપરિષદ ભારતના ૧૬ અને વિદેશના ૧૧ સહિત કુલ ૨૭ ઝોન મારફતે દેશ-વિદેશમાં વસતા લાખો લોહાણા પરિવારોને એક વૈશ્વિક પરિવાર તરીકે જોડવાનું કાર્ય કરી રહી છે. સ્થાનિકથી લઈને વૈશ્વિક સ્તર સુધી સમાજના પરિવારો વચ્ચે સંકલન વધારવા અને સંગઠનની પહોંચ વધુ મજબૂત બનાવવા સતત પ્રયાસો થઈ રહ્યા છે.
શિક્ષણથી રોજગાર અને વ્યવસાય સુધી વિવિધ પ્રકલ્પો
મહાપરિષદ દ્વારા શિક્ષણ અને આરોગ્ય સહાય, યુવા નેતૃત્વ વિકાસ, મહિલા સશક્તિકરણ સહિત વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ, જોબ પોર્ટલ, લગ્ન સેતુ અને લોહાણા કનેક્ટ જેવા પ્રકલ્પો દ્વારા સમાજના લોકોને શિક્ષણ, રોજગાર, વ્યવસાય અને સામાજિક સંબંધોના ક્ષેત્રે પરસ્પર જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
નવા પ્રભારી મિતેશભાઈ રૂપારેલિયાએ તમામ લોહાણા પરિવારોને લોહાણા કનેક્ટ એપ સાથે જોડાવા અપીલ કરતાં જણાવ્યું કે, સમાજના વધુમાં વધુ પરિવારો સંગઠન સાથે જોડાય અને એકબીજાની સાથે સંવાદ વધે તે સમયની જરૂરિયાત છે. એપના માધ્યમથી પરિવારના સભ્યોને એક જ ગ્રુપમાં જોડીને સમાજની વિવિધ પ્રવૃત્તિઓ, માહિતી અને મહત્વપૂર્ણ સંદેશાઓ સરળતાથી દરેક પરિવાર સુધી પહોંચાડી શકાય છે.
બે દાયકાથી સમાજસેવા સાથે સક્રિય જોડાણ
મિતેશભાઈ રૂપારેલિયાની સમાજસેવાની સફર પણ લાંબી રહી છે. વર્ષ ૨૦૧૫થી સાધુવાસાણી રોડ ખાતે લોહાણા સમાજ માટે નવરાત્રિના આયોજન સાથે તેઓ જોડાયેલા છે. આ ઉપરાંત છેલ્લા ૨૦ વર્ષથી જલારામ જયંતિના સફળ આયોજનમાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
તેમની સમગ્ર સમાજસેવા યાત્રામાં પૂજ્ય કિરીટ કાકાના આશીર્વાદ અને પ્રેરણાનું વિશેષ સ્થાન રહ્યું હોવાનું પણ જણાવાયું છે.
યુવાનોને જોડવા અને જરૂરિયાતમંદ પરિવારો માટે સહયોગ પર ભાર
સૌરાષ્ટ્ર ઝોન-૧ના પ્રભારી તરીકે મિતેશભાઈની મુખ્ય જવાબદારી સંગઠનનું સંકલન, માર્ગદર્શન અને સમાજના પરિવારો સાથે વધુ મજબૂત જોડાણ સ્થાપિત કરવાની રહેશે.
યુવાનોને સમાજ સાથે વધુ નજીકથી જોડવા, શિક્ષણ અને વ્યવસાય ક્ષેત્રે નવી તકો ઊભી કરવા, પ્રતિભાશાળી યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપવા તેમજ જરૂરિયાતમંદ પરિવારો માટે સહયોગનું મજબૂત માળખું ઊભું કરવું તેમની પ્રાથમિકતાઓમાં રહેશે.
મહાપરિષદના વરિષ્ઠ અગ્રણી સંજયભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે મિતેશભાઈનું વિઝન મહાપરિષદના વિકાસલક્ષી અભિગમ સાથે સુસંગત છે અને તેમની નિમણૂકથી સૌરાષ્ટ્ર ઝોન-૧માં સંગઠનને વધુ ગતિ મળવાની અપેક્ષા છે.
મહાપરિષદના હોદ્દેદારોનો આભાર
નવી જવાબદારી સોંપવા બદલ મિતેશભાઈ રૂપારેલિયાએ શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશ ડી. વિઠલાણી, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નિતિન જે. રાયચુરા, સૌરાષ્ટ્ર ઝોનલ પ્રેસિડેન્ટ રામભાઈ બરછા, વાઇસ પ્રેસિડેન્ટ અમિતભાઈ માણેક, સેક્રેટરી અજયકુમાર સંઘાણી, જોઇન્ટ સેક્રેટરી મેહુલભાઈ નથવાણી, રાજકોટ સિટી પ્રેસિડેન્ટ સંજયભાઈ લાખાણી, વુમન સિટી પ્રેસિડેન્ટ તૃપ્તિબેન રાજવીર તથા રાજકોટ સેક્રેટરી રશ્મિબેન માણેકનો આભાર વ્યક્ત કર્યો હતો.
આગામી પાંચ વર્ષ દરમિયાન મિતેશભાઈ રૂપારેલિયાના નેતૃત્વ હેઠળ શ્રી લોહાણા મહાપરિષદની સેવા, સંગઠન અને વિકાસની વિચારધારા સૌરાષ્ટ્ર ઝોન-૧ના વધુમાં વધુ લોહાણા પરિવારો સુધી પહોંચે અને સમાજના સંગઠનને નવી દિશા મળે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.











