અંકલેશ્વરના રાજહંસ સિનેમામાં ભીષણ આગ: ચાલુ ફિલ્મે અફરાતફરી મચી, સ્ક્રીન-3 બળીને ભસ્મીભૂત, સદનસીબે જાનહાનિ ટળી

અંકલેશ્વર નજીક ભડકોદ્ર ગામમાં કાપોદ્રા પાટિયા પર આવેલા ‘એપલ પ્લાઝા’ સ્થિત રાજહંસ સિનેમામાં મંગળવારે મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ચાલુ ફિલ્મ દરમિયાન થિયેટરના સ્ક્રીન નંબર-3માં અચાનક આગ ફાટી નીકળતાં દર્શકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

ચાલુ શો દરમિયાન આગ ભભૂકી, બે લોકોનું રેસ્ક્યૂ

  • દર્શકોમાં ગભરાટ: થિયેટર નંબર-3માં ફિલ્મ ચાલી રહી હતી ત્યારે અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. લોકો પોતાનો જીવ બચાવવા બહાર તરફ દોડ્યા હતા.

  • વીજ પુરવઠો બંધ કરાયો: ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક સિનેમાનો પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યો હતો.

  • બે દર્શકોને બચાવાયા: થિયેટર અંદર ફસાયેલા બે દર્શકોને સિનેમાના સ્ટાફે સમયસૂચકતા વાપરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ

  • ફાયર ફાઈટર્સની કામગીરી: બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો 3 ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી.

  • સ્ક્રીન-3 ખાખ: આશરે બે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે, આગની લપેટમાં આવી જવાથી સ્ક્રીન નંબર-3 બળીને સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ ગયું હતું.

DYSP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર

ઘટનાની જાણ થતાં જ DYSP ડૉ. કુશલ ઓઝા તથા GIDC પોલીસ સ્ટેશનના PI સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર પરિસરને સુરક્ષિત કરી સ્થિતિ સમીક્ષા કરી હતી. સદનસીબે તમામ લોકોને સમયસર બહાર કાઢી લેવાતા મોટી હોનારત ટળી હતી. હાલમાં આગ લાગવાના ચોક્કસ કારણ અંગે પોલીસ અને ટેકનિકલ ટીમ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE