દેશની સરહદો પર ફરજ બજાવી રાષ્ટ્રની સુરક્ષા માટે જીવન સમર્પિત કરનારા માજી સૈનિકો અને વીરનારીઓએ હવે પોતાના હક્ક માટે ફરી સરકારી તંત્રના દરવાજા ખખડાવ્યા છે. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના આશરે 43 જેટલા માજી સૈનિકો અને વીરનારીઓએ જમીન ફાળવણીના પ્રશ્ને મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ન્યાયની માંગ કરી છે.
આ રજૂઆતની નકલ એસડીએમ, જિલ્લા કલેક્ટર, મહેસૂલ સચિવ, ગુજરાતના મુખ્યમંત્રી, સ્થાનિક ધારાસભ્ય તેમજ સંસદ સભ્યને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે.
માજી સૈનિકોનું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટ, ઔદ્યોગિક એકમો અને GIDC જેવા વિકાસ પ્રકલ્પો માટે મોટા પ્રમાણમાં જમીનો ફાળવવામાં આવે છે, ત્યારે દેશની સુરક્ષા માટે સેવા આપનારા માજી સૈનિકો અને વીરનારીઓ માટે જમીન ફાળવણીના પ્રશ્ને વર્ષોથી વિલંબ કેમ થાય છે તે ગંભીર સવાલ છે.
રજૂઆત મુજબ, છેલ્લા નવ વર્ષથી આ મુદ્દે સતત વિવિધ સરકારી કચેરીઓમાં રજૂઆતો કરવામાં આવી રહી છે. મામલતદાર કચેરીથી લઈને ઝાલોદ પ્રાંત કચેરી, જિલ્લા કલેક્ટર, મહેસૂલ વિભાગ તેમજ રાજ્ય સરકાર સુધી જરૂરી દસ્તાવેજો, 7/12 અને 8-અના ઉતારા, જમીનના નકશા સહિતના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમ છતાં હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
માજી સૈનિકોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિઓ તથા પરિપત્રોમાં પાત્ર માજી સૈનિકો અને વીરનારીઓને જમીન ફાળવણી અંગે જોગવાઈઓ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે આ જોગવાઈઓનો અસરકારક અમલ થાય અને પાત્ર લાભાર્થીઓને સમયસર ન્યાય મળે તે જરૂરી છે.
રજૂઆતમાં દેશની સેવામાં પોતાનું યોગદાન આપનારા સૈનિકો અને તેમના પરિવારોને યોગ્ય સન્માન સાથે તેમના હક્કનો લાભ સમયસર આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. હવે આ રજૂઆતના અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તેના પર માજી સૈનિકો સહિત સમગ્ર વિસ્તારની નજર મંડાઈ છે.











