રાજકોટ રેન્જ પોલીસનો ગેરકાયદે ખનીજ માફિયાઓ પર કડક પ્રહાર

વિરપુરના પીઠડીયા ગામે દરોડો: રૂ. 1.05 કરોડનો મુદ્દામાલ જપ્ત, JCB-1, ડમ્પર-3 અને રેતીનો જથ્થો સીઝ

રાજકોટ, તા. 7 ઓગસ્ટ, 2026: રાજકોટ રેન્જ પોલીસને ગેરકાયદે ખનીજ ચોરી સામે વધુ એક મોટી સફળતા મળી છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પીઠડીયા ગામની સીમમાં આવેલા સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન અને ચોરી કરતા ઇસમોને ઝડપી પાડીને પોલીસે અંદાજે રૂ. 1.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS), રાજકોટ રેન્જના માર્ગદર્શન હેઠળ સરકારની મિલકત અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્વો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમે માનવસૂત્રો અને ગુપ્ત માહિતીના આધારે સફળ કાર્યવાહી હાથ ધરી હતી.

ચોક્કસ બાતમીના આધારે PSI બી.સી. મીયાત્રા તથા તેમની ટીમે પીઠડીયા ગામની સીમમાં દરોડો પાડી સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજની ચોરી કરતા ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી ત્રણ ડમ્પર, એક JCB મશીન તથા મોટી માત્રામાં રેતીનો જથ્થો કબ્જે કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં JCB (અંદાજિત કિંમત રૂ. 15 લાખ), ત્રણ ડમ્પર (અંદાજિત કિંમત રૂ. 90 લાખ) તેમજ રેતીનો જથ્થો મળી કુલ રૂ. 1.05 કરોડનો મુદ્દામાલ સામેલ છે.

કાર્યવાહી દરમિયાન ડમ્પર અને JCBના ચાલકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમની સામે ખાણ-ખનીજ કાયદા મુજબ કાર્યવાહી કરવા વિરપુર પોલીસ સ્ટેશનને મુદ્દામાલ અને આરોપીઓને સોંપવામાં આવ્યા છે. સાથે જ ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને પણ જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે.

રાજકોટ રેન્જ પોલીસનું કહેવું છે કે સરકારની જમીન પર ગેરકાયદે ખનન, ખનીજ ચોરી અને કુદરતી સંપત્તિના શોષણ સામે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. આવા તત્વો સામે કડક કાયદેસર પગલાં ભરવામાં આવશે અને કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

આ સફળ કામગીરીમાં PSI પી.એન. મોરી, PSI બી.સી. મીયાત્રા, PSI સી.એમ. કાંટેલિયા તેમજ સ્ટાફના કુલદીપસિંહ ચુડાસમા, વકારભાઈ અરબ, દિવ્યેશભાઈ સુવા અને નિકુલભાઈ પંપાણીયા સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE