સંજેલીમાં બોગસ ST પ્રમાણપત્ર કૌભાંડનો વિવાદ: OBC પરિવારે ગેરરીતે મેળવ્યા અનામતના લાભો હોવાના ગંભીર આક્ષેપ, તટસ્થ તપાસની માંગ ઉગ્ર

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં અનુસૂચિત જનજાતિ (ST)ના બોગસ પ્રમાણપત્રો મેળવી વર્ષો સુધી સરકારી નોકરીઓ, રાજકીય હોદ્દાઓ, મેડિકલ પ્રવેશ અને અન્ય અનામત લાભો મેળવાયા હોવાના ગંભીર આક્ષેપો સાથે રાજ્યભરમાં ચર્ચા જગાવતું પ્રકરણ સામે આવ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી સરકારી દસ્તાવેજો, વંશાવળી, મહેસૂલી નોંધો, શાળાના વયપત્રક અને અન્ય રેકોર્ડ રજૂ કરીને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તથા તટસ્થ વિજિલન્સ તપાસની માંગ કરી છે.

યુવરાજસિંહ જાડેજાના દાવા મુજબ, મૂળ હિંદુ રાવળ (બક્ષીપંચ/OBC) જ્ઞાતિ ધરાવતા એક પરિવારે સરકારી રેકોર્ડમાં ગેરરીતિ આચરી પોતાને અનુસૂચિત જનજાતિ તરીકે દર્શાવી અનામતનો લાભ મેળવ્યો છે. તેમના કહેવા મુજબ, આ સમગ્ર પ્રક્રિયામાં સરકારી રેકોર્ડમાં ચેડાં કરીને બોગસ ST પ્રમાણપત્રો મેળવવામાં આવ્યા, જેના આધારે પરિવારના અનેક સભ્યોએ સરકારી નોકરીઓ, ચૂંટાયેલા પદો, મેડિકલ શિક્ષણમાં અનામત પ્રવેશ અને અન્ય સરકારી લાભો મેળવ્યા હોવાનું સામે આવ્યું છે.

રજૂ કરાયેલા દસ્તાવેજોના આધારે યુવરાજસિંહે દાવો કર્યો છે કે સંજેલી તાલુકા કુમાર પ્રાથમિક શાળાના સરકારી વયપત્રકમાં પરિવારની જાતિ સ્પષ્ટપણે ‘હિંદુ રાવળ પછાત’ તરીકે નોંધાયેલી છે. ઉપરાંત મહેસૂલી રેકોર્ડ અને હક્કપત્રકમાં પણ પરિવાર બક્ષીપંચ વર્ગનો હોવાનું દર્શાવવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું. તેમ છતાં પાછળથી નોંધોમાં ફેરફાર કરીને ST તરીકેના પ્રમાણપત્રો મેળવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આક્ષેપ મુજબ, પરિવારના સભ્યોએ ભાજપમાં સંગઠનાત્મક હોદ્દા, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદો, APMC ડિરેક્ટર તરીકેની જવાબદારીઓ, પોલીસ વિભાગ અને ગ્રામ વિકાસ વિભાગમાં સરકારી નોકરીઓ તેમજ મેડિકલ કોલેજોમાં અનામત બેઠકોનો લાભ મેળવ્યો હોવાનું કહેવાય છે. પેટ્રોલ પંપની ફાળવણી સહિતના લાભો પણ ST અનામત હેઠળ મેળવાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

યુવરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું છે કે આ પરિવારનો અનુસૂચિત જનજાતિની પરંપરા, સામાજિક જીવનશૈલી, સંસ્કૃતિ અથવા આદિવાસી જમીન સંબંધિત કાયદાકીય જોગવાઈઓ સાથે કોઈ સંબંધ નથી. તેમના જણાવ્યા મુજબ સમગ્ર મામલે આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત વિજિલન્સ સમક્ષ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.

તેમણે માંગ કરી છે કે સમગ્ર પ્રકરણની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરીને જો ગેરરીતિ સાબિત થાય તો બોગસ ST પ્રમાણપત્રો રદ કરવામાં આવે, અનામતના આધારે પ્રાપ્ત થયેલા તમામ લાભોની સમીક્ષા કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓ સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે.

આ સમગ્ર મામલે સંબંધિત વ્યક્તિઓ અથવા સરકારી તંત્ર તરફથી સત્તાવાર પ્રતિક્રિયા જાહેર થઈ નથી. આક્ષેપોની સત્તાવાર તપાસ અને પુષ્ટિ થવાની બાકી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE