દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ લિક્વિડેશન પ્રક્રિયા શરૂ; UPI, QR પેમેન્ટ, બિલ પેમેન્ટ અને મર્ચન્ટ સેવાઓ પર નહીં પડે કોઈ અસર
નવી દિલ્હી: પેટીએમ પેમેન્ટ બેંકને લઈને દિલ્હી હાઈકોર્ટના મહત્વપૂર્ણ નિર્ણય બાદ હવે બેંકની લિક્વિડેશન પ્રક્રિયા શરૂ થશે. જોકે, પેટીએમ એપનો ઉપયોગ કરતા કરોડો ગ્રાહકો માટે કોઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે પેમેન્ટ બેંક બંધ થવા છતાં એપની મોટાભાગની ડિજિટલ સેવાઓ પહેલાની જેમ જ ચાલુ રહેશે.
ભારતીય રિઝર્વ બેંક (RBI)ના માર્ગદર્શન હેઠળ એસબીઆઈના પૂર્વ અધિકારી ગિરીકુમાર એમ. નાયરને પેટીએમ પેમેન્ટ બેંકના લિક્વિડેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 8 જુલાઈ, 2026થી તેઓ બેંકની તમામ સંપત્તિ, ખાતાઓ, નાણાકીય વ્યવહારો અને કાયદાકીય પ્રક્રિયાનું સંચાલન કરશે.
ગ્રાહકો માટે શું બદલાશે?
• જમા રકમ સંપૂર્ણ સુરક્ષિત:
પેટીએમ પેમેન્ટ બેંકમાં જમા કરાયેલા તમામ નાણાં સુરક્ષિત રહેશે. લિક્વિડેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગ્રાહકોને તેમની રકમ નિયમ મુજબ પરત આપવામાં આવશે.
• પેટીએમ એપ પર કોઈ અસર નહીં:
UPI ટ્રાન્ઝેક્શન, QR કોડ પેમેન્ટ, મોબાઇલ રિચાર્જ, વીજળી-ગેસ સહિતના બિલ પેમેન્ટ અને અન્ય ડિજિટલ સેવાઓ નિયમિત રીતે ચાલુ રહેશે.
• મર્ચન્ટ સેવાઓ યથાવત:
પેટીએમ સાઉન્ડબોક્સ, POS મશીન, પેમેન્ટ ગેટવે, પેટીએમ ગોલ્ડ અને પેટીએમ મની જેવી તમામ સેવાઓ પર પણ કોઈ અસર નહીં થાય.
• ફાસ્ટેગ અને વોલેટ અંગે:
પેટીએમ પેમેન્ટ બેંક સાથે જોડાયેલા જૂના ફાસ્ટેગ અને વોલેટ અગાઉથી જ બંધ છે. તેમાં રહેલી બાકી રકમ લિક્વિડેશન પ્રક્રિયા હેઠળ ગ્રાહકોને પરત કરવામાં આવશે.
• UPI યુઝર્સ માટે મહત્વની સૂચના:
જો તમારું UPI અન્ય કોઈ બેંક ખાતા સાથે જોડાયેલું છે તો કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. પરંતુ જેમનું UPI સીધું પેટીએમ પેમેન્ટ બેંક સાથે જોડાયેલું છે તેમણે અન્ય બેંક સાથે UPI લિંક કરવું પડશે.
• રોકાણકારો પર નહીં પડે અસર:
પેટીએમ પેમેન્ટ બેંક શેરબજારમાં લિસ્ટેડ સંસ્થા ન હોવાથી આ નિર્ણયની સામાન્ય રોકાણકારો પર કોઈ સીધી અસર થશે નહીં.
પેટીએમએ સ્પષ્ટ કર્યું છે કે પેમેન્ટ બેંકની કામગીરી બંધ થવા છતાં કંપનીની ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમ, મર્ચન્ટ સર્વિસ અને ફિનટેક સેવાઓ યથાવત ચાલુ રહેશે, જેથી ગ્રાહકોના રોજિંદા નાણાકીય વ્યવહારોમાં કોઈ અવરોધ સર્જાય નહીં.











