ખાંડ પર સ્ટોક લિમિટનો કડક અમલ: 1 ઓગસ્ટથી નવા નિયમો લાગુ, સંગ્રહખોરી પર સરકારની નજર

તહેવારો પહેલાં ભાવ વધારાને રોકવા કેન્દ્ર સરકારનું મોટું પગલું; ડીલરો માટે 400 ટન સ્ટોક મર્યાદા ફરજિયાત

નવી દિલ્હી: તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ખાંડના વધતા ભાવ પર અંકુશ લાવવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી દેશભરના ખાંડના વેપારીઓ માટે 400 ટન સ્ટોક મર્યાદા લાગુ કરવામાં આવી છે. સરકારના આદેશ મુજબ હવે કોઈપણ ડીલર નિર્ધારિત મર્યાદાથી વધુ ખાંડનો જથ્થો રાખી શકશે નહીં.

કેન્દ્રના ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ હેઠળ જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું છે કે વેપારીઓએ 1 ઓગસ્ટ સુધીમાં વધારાનો સ્ટોક ઘટાડવો પડશે તેમજ ખાંડ ખરીદ્યા બાદ 30 દિવસની અંદર તેનું વેચાણ કરવું ફરજિયાત રહેશે.

સરકારના જણાવ્યા મુજબ ખાંડના એક્સ-મિલ ભાવમાં થયેલો તાજેતરનો વધારો બજારની વાસ્તવિક માંગ અને પુરવઠા કરતાં વધુ છે. કેટલાક વેપારીઓ દ્વારા કરવામાં આવતી સંગ્રહખોરી, અટકળબાજી અને પેપર ટ્રેડિંગના કારણે કૃત્રિમ અછત ઊભી થતાં ભાવમાં વધારો નોંધાયો હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.

કેન્દ્ર સરકારનું માનવું છે કે નવા નિયમોથી બજારમાં ખાંડનો પુરવઠો જળવાઈ રહેશે, ભાવમાં સ્થિરતા આવશે અને તહેવારો દરમિયાન ગ્રાહકોને વધારાનો ભાવ ચૂકવવો નહીં પડે. અગાઉ સરકાર સ્થાનિક બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે ખાંડની નિકાસ પર પણ નિયંત્રણ મૂકી ચૂકી છે.

સરકારી સ્ટોક તથા રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કરાયેલા ડીલરોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. નિયમના અમલ પર સતત દેખરેખ રાખવામાં આવશે અને ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE