1,050 બોટલ વિદેશી દારૂ, કાર-સ્કૂટર સહિત ₹14.93 લાખનો મુદ્દામાલ જપ્ત; ચાર મુખ્ય સપ્લાયરોને વોન્ટેડ જાહેર
રાજકોટ: શહેરમાં ગેરકાયદે દારૂના વેપાર સામે પોલીસે સઘન અભિયાન શરૂ કરતાં એક જ દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં 8 દરોડા પાડીને મહિલા સહિત 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. કાર્યવાહી દરમિયાન 1,050 બોટલ વિદેશી દારૂ, કાર, સ્કૂટર સહિત કુલ ₹14.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે તપાસમાં વધુ ચાર મુખ્ય બુટલેગરોના નામ સામે આવતાં તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
એલસીબી ઝોન-1ની ટીમે આજીડેમ ચોકડી વિસ્તારમાં ક્રેટા કારમાંથી 444 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન દારૂ સપ્લાય કરનાર મુખ્ય બુટલેગરનું નામ સામે આવતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
એલસીબી ઝોન-2એ ભીલવાસ વિસ્તારમાં દરોડો પાડી 480 બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. તપાસમાં શહેરના બે કુખ્યાત બુટલેગરોની સંડોવણી બહાર આવતાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત પ્ર.નગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, થોરાળા અને એરપોર્ટ પોલીસ મથકોએ પણ અલગ-અલગ કાર્યવાહીમાં દારૂ સાથે અનેક આરોપીઓને ઝડપી લીધા હતા. એક મહિલા બુટલેગરની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કેટલાક કેસોમાં દારૂ સપ્લાય કરનાર આરોપીઓના નામ ખુલ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે આગામી દિવસોમાં પણ આવી જ સઘન કાર્યવાહી ચાલુ રહેશે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે સમગ્ર સપ્લાય ચેઇન, મુખ્ય સૂત્રધારો અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરવામાં આવી છે.










